ગઢડાની લક્ષ્મીવાડીમાં પોલીસનો કાફ્લો ઉતારી દઈ પાંચ દિવસ માટે પ્રવેશબંધી

ગઢડા મુકામે શ્રી ગોપીનાથજી દેવ મંદિર તાબાના લક્ષ્મીવાડી ખાતે આવેલા પૂ.મોટીબા સ્મૃતિ મંદિરમાં ફ્કત મહિલાઓને જ પ્રવેશના કારણે આ સ્થળે વર્ષોથી સાંખ્યયોગી બહેનો દ્વારા સેવાપૂજા કરવામાં આવતી હોવા છતાં તાજેતરમાં મંદિરના વહિવટી બોર્ડમાં થયેલા પરિવર્તન બાદ સાંખ્યયોગી બહેનોને પૂજા માટે અટકાવતા અને તેમાં ફેરફાર કરવાની વહિવટી બાબતોએ સ્થાનિક કક્ષાએ વિવાદનું રૂપ ધારણ કર્યું છે.ગઢડા શ્રી ગોપીનાથજી દેવ મંદિર તાબાના લક્ષ્મીવાડી ખાતે સેવાપૂજામાં કરાતી હેરાનગતિ સહિતના સાંખ્યયોગી બહેનોના વહિવટકર્તાઓ સામેના આક્ષેપના પગલે વિવાદ વકરતા આજે એકાએક બોટાદ પોલીસનો મસમોટો કાફ્લો લક્ષ્મીવાડી ખાતે ઉતારી દેવામાં આવ્યો હતો અને પાંચ દિવસ માટે આ સ્થળે પ્રવેશબંધી ફરમાવતા મામલો વધુ ઉગ્ર બન્યો છે.
દરમિયાનમાં આ મુદે ચાલતાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે આજરોજ બોટાદ પોલીસનો મસમોટો પોલીસ કાફ્લો એકાએક લક્ષ્મીવાડી ખાતે ઉતર્યો હતો.અને મુખ્ય દરવાજો બંધ કરી અંદર રહેલાં તમામને પરિસરની બહાર કાઢયા હતા. જો કે, આ અંગે પોલીસના સતાવાર સૂત્રોએ કાયદો અને વ્યવસ્થા જાળવવાના મુદે લક્ષ્મીવાડીમાં પાંચ દિવસ માટે પ્રવેશબંધી કરવામાં આવી હોવાનું જાહેર કર્યું હતુ.બીજી તરફ, સાંખ્યયોગી બહેનો તરફ્થી આગામી દિવસોમાં ન્યાય ન મળે તો આંદોલન અને આત્મવિલોપન કરવા સુધીની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.જો કે, આ વિવાદ વચ્ચે આસ્થા સાથે જોડાયેલા હજ્જારો લોકોમાં દુઃખની લાગણી ફેલાઈ હતી.