જામનગર જૂનાગઠ એસટી બસ માં છરીના ઘા ઝીંકી પતાવી દીધો
જામનગર નજીક કાલાવડ રોડ પર બુધવારે સાંજે વિજરખી નજીક ચાલુ બસમાં થયેલ યુવાનની કરપીણ હત્યા બાદ પોલીસે અમદાવાદના આરોપી સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. ફોન પર વાત કરતા મૃતક, પોતાની હરકતોને લઈને પોલીસ સાથે વાત કરી પોલીસ બોલાવી લેશે એવી શંકાથી આરોપીએ છરી વડે હુમલો કરી હત્યા નીપજાવી હોવાની વિગતો સામે આવી છે. યુવાનની હત્યા સમયે તેની સાથે તેની બે ભત્રીજી અને એક માસુમ ભત્રીજો સાથે હતા. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી છે. જામનગર નજીક ચાલુ બસમાં નીપજાવવામાં આવેલ યુવાનની હત્યામાં સમગ્ર વિગતો સામે આવી છે. કાલાવડ રહેતા મૃતક હિતેશભાઈ પંડ્યા ઉવ 40 જામનગરમાં સાધના કોલોનીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં રહેતા પોતાના ભાઈ કૌશિકભાઈ પંડ્યાના ઘરે આવ્યા હતા. ગઈ કાલે ચારેક વાગ્યે તેઓ પોતાની ભત્રીજી સ્નેહાબેન કૌશિકભાઈ ઉવ.17, અર્ચના ઉવ 13 અને હર્ષ ઉવ. 7 ને સાથે લઇ કાલાવડ જવા નીકળ્યા હતા.
બસ સ્ટેશન પહોચી જામનગર-જુનાગઢ રૂટની બસમાં બેસી કાલાવડ જવા નીકળ્યા હતા. હિતેશભાઈના ભત્રીજીઓ અને ભત્રીજો 23, 24,25 નંબરની સીટમાં બેઠા હતા. મૃતક હિતેશભાઈ આ ત્રણેય સીટ પાછળ બેઠા હતા. દરમિયાન બસ જામનગરની ભાગોળ છોડી કાલાવડ તરફ આગળ વધી રહી હતી ત્યારે એક સખ્સ ચાલુ બસમાં આટાફેરા કરવા લાગ્યો હતો.
આ સમયે જ મૃતકને ફોન આવતા તેઓ વાતે વળગ્યા હતા, અમે કાલાવડ બસ સ્ટેશન ઉતરશું ત્યાં આવી જજો …એવી વાત આંટાફેરા કરતા સખ્સે સાંભળી હતી, જેને લઈને તેણે પાછળ જઈ મૃતકને આંતરી લઇ મોટે મોટે થી બોલવા લાગ્યો હતો કે, ‘તારે પોલીસને બોલાવવી છે…બોલાવ….એમ કહી જપાજપી કરી હતી. જેની સામે હિતેશભાઈએ કહ્યું હતું કે, ‘મેં કંઈ કહ્યું નથી, હું કાઈ બોલ્યો નથી’.
જો કે આરોપીએ કાઈ ન સાંભળી ગાળ-ગાળી કરી, પોતાની પાસે રહેલ ધારદાર છરી કાઢી, ગળાથી નીચે અને માથાના ભાગે ત્રણ-ચાર ઘા મારી દીધા હતા. જો કે એક બચાવમાં હિતેશભાઈએ પણ આરોપીનો હાથ પકડી લીધો હતો પરંતુ તે પૂર્વે તો આરોપીએ પોતાનું કામ પતાવી લીધું હતું. દરમિયાન ચાલકે એસટી બસ ઉભી રાખી દીધી હતી.
બીજી તરફ બસની સીટમાં જ ફસડાઈ પડેલ હિતેશભાઈના શરીરમાંથી લોહી બહિ બસમા રેલાઈ ગયું હતું અને બસની સીટ પર જ અંતિમ શ્વાસ લીધા હતા. જેને લઈને તેની સાથેના ત્રણેય ભત્રીજા-ભત્રીજોએ રુદન કરતા અન્ય પેસેન્જરોએ તેઓને સાંભળ્યા હતા. ત્યારબાદ પેસેન્જરોએ આરોપીને આંતરી લઇ મેથી પાક આપી નીચે ઉતારી, હોટેલ સામેના સિમેન્ટના પોલ સાથે બાંધી દીધો હતો. ત્યારબાદ પોલીસે આવી આરોપીની અટકાયત કરી હતી.
આરોપીની પૂછપરછમાં પોતાનું નામ જયદીપસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા હોવાનું અને અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. જામનગર નજીક દરેડ ગામે મજુરી કામ કરતા તેના ભાઈના ઘરે આવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી ધૂની મગજનો અને સાયકો જેવો હોવાનું પોલીસને અનુમાન છે. પોલીસે તેની અટકાયત કરી કોવીડ ટેસ્ટ માટે પ્રક્રિયા પૂર્ણ કરી છે. જેના રીપોર્ટ બાદ આરોપીની અટકાયત કરી લેવામાં આવશે.
ભત્રીજા-ભત્રીજીઓની સામે જ કાકાએ દમ તોડ્યો
બુધવારે સાંજે છ વાગ્યા આસપાસ વિજરખી પાસે ચાલુ બસમાં આરોપીએ હિતેશ પંડ્યા પર છરી વડે હુમલો કરી બે-ત્રણ ઘા ઝીંકી દઇ કરપીણ હત્યા નિપજાવી હતી. મૃતક યુવાનની આગલી સીટમાં જ તેની બે ભત્રીજી અને એક ભત્રીજો બેઠા હતાં. આ ત્રણેયની નજર સામે જ આરોપીએ કાકાનું ઢીમ ઢાળી દીધું હતું. જેને લઇને ત્રણેય માસુમો હતપ્રભ બની ગયા હતાં. પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે. જામનગર રહેતાં મૃતકના મોટાભાઇના ત્રણેય સંતાનોને સાથે રાખી મૃતક પોતાના ઘરે કાલાવડ જતા હતાં. મૃતક યુવાન કાલાવડમાં અલ્પાહારની રેંકડી ચલાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે.