કચ્છ ઉપર મેઘરાજા મન મૂકીને મહેરબાન થયા અને કચ્છમાં ચોતરફ પાણી વહી નીકળ્યા છે. નદી નાળા ડેમ સરોવર આ બધા જ ઓવરફલો થવાની સપાટી પર છે અને હવે કચ્છ વાસીઓ મેઘરાજા થી પરેશાન થયા છે. વરસાદી પાણી રસ્તા ઉપર વહી નીકળે ત્યાં સુધીતો આપણે સમજી શકીએ પરંતુ જ્યારે ગટરના પાણી રસ્તા પર વહી નીકળે અને આ પાણી જ્યારે લોકોના ઘરમાં હાલી જતા હોય છે ત્યારે રહેવું પણ ખૂબ મુશ્કેલ થઇ જતું હોય છે. એક તરફ લોકોને કોરોના ની બીમારી નો ભય છે તો બીજી તરફ આ ગટર પાણી જ્યારે ઘરમાં ઘૂસી જાય છે ત્યારે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જાય છે અને મચ્છરનો ઉપદ્રવ વધવાને કારણે ટાઇફોડ, ન્યુમોનિયા ,મેલેરિયા જેવા તાવના રોગમાં પણ વધારો થાય છે. અત્યારે ભુજ નગરપાલિકા મેલેરીયા શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં જઇ અને દવાનો છંટકાવ કરવામાં આવે છે અને મચ્છરોના ઉપદ્રવ ઉપર કેવી રીતે રોક લગાવી શકાય તે માટેના તમામ પ્રયત્નો આ શાખા દ્વારા કરવામાં આવે છે.આ ઉપરાંત મેલેરીયા શાખા ના અધિકારીએ લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે ઘરની આસપાસ જ્યાં પણ પાણીનો ભરાવો થતો હોય તો તે પાણી ની સફાઇ કરવી જોઇએ આ ઉપરાંત પક્ષીઓનાં કુંડામાં કે કોઈ પણ ખાલી પાત્રમાં પાણી ભરાઈ ન રહે તે માટેની ખાસ કાળજી રાખવી જોઈએ . આ ઉપરાંત દરેકે દરેક લોકોએ મચ્છરદાની નો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ.