વરસાદ પછી ભરાયેલા તળાવો યમદુત બન્યા, કચ્છમાં તળાવોમાં ડુબી જતાં પિતા-પુત્ર સહિત ચારના મોત
ચોમાસામાં પડેલા મુશળાધાર વરસાદના પગલે નાના મોટા જળાશયો છલકાઈ ગયા છે. જેની એક તરફ ખુશી છે તો બીજીતરફ નાના મોટા ડેમ તળાવોમાં ડુબવાની ઘટનાઓમાં સતત વાધારો થઈ રહ્યો છે. જમ બેઠો હોય તેમ માંડવી-મુંદરાના 3 અલગ અલગ બનાવમાં તળાવમાં પિતા-પુત્ર, કિશોર અને યુવક ડૂબી ગયાં છે. સવારે 9.30ના અરસામાં માંડવીના નાગલપર ગામે તળાવમાં પડેલો 14 વર્ષનો યશ મુળજીભાઈ મહેશ્વરી નામનો કિશોર ડૂબી ગયો હતો.
મળતી માહિતી મુજબ ગત રોજ મુંદરા તાલુકાના ભદ્રેશ્વરમાં કપડા ધોવા ગયેલા યુવાનનો પગ લપસવાથી તળાવમાં ડુબી જવાની ઘટના હજુ તાજી છે તેવામાં માંડવી પંથકમાં ડુબવાથી ત્રણના મોત નિપજયા હતા. જેના પગલે કચ્છમાં કરૃણાંતિકા ફરી વળી હતી. આજે સવારે માંડવીના નાગલપર ગામે તળાવમાં પડેલા ૧૪ વર્ષીય યશ મુળજીભાઈ મહેશ્વરી નામનો કિશોર ડુબી ગયો હતો. ભારે જહેમત બાદ તેની લાશ બહાર કાઢવામાં આવી હતી. ડુબવાની અન્ય ઘટના બાડા ગામના ટોપણસર ગામે બની હતી. ટોપણસર તળાવમાં નહાવા પડેલા ૬૫ વર્ષિય જયંતિલાલ ખેરાજ ગડા અને તેમનો ૨૨ વર્ષિય પુત્ર હર્ષ નહાતા હતા ત્યારે હર્ષ ડુબવા માંડતા પિતા જયંતિલાલ બચાવવા જતા તેઓ ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. મોડી સાંજે તરવૈયાઓ શોધખોળ બાદ જયંતિલાલનો મૃતદેહ બહાર કાઢયો હતો. જો કે, હર્ષની શોધખોળ જારી રાખવામાં આવી હતી. અન્ય એક બનાવમાં ભદ્રેશ્વર ગામના ઈન્દિરાવાસમાં રહેતા ભીમજીભાઈ કમાભાઈ મહેશ્વરીના પત્ની અગાઉ મોતને ભેટયા હોવાથી તે પોતાના નાના સંતાનો સાથે રહેતા હતા. છેલ્લા કેટલાક દિવસોથી પાણી ન આવતા હતભાગી ભીમજી કપડા ધોવા માટે તળાવે ગયો હતો. જે દરમિયાન અકસ્માતે પગ લપસતા ડુબી જવાથી મોતને ભેટયો હતો. નાના બાળકોએ પહેલા માતાને ગુમાવી હતી હવે પિતાની છત્રછાયા ગુમાવી દેતા ગામમાં કરૃણાંતિકા ફરી વળી હતી.