કોરોના દર્દીની ઓળખ છુપાવવાનું જોખમી બની શકે તેવી લોકોમાં ચિંતા
કચ્છમાં અત્યાર સુધી કોરોનાના કેસોની નામ સહિતની વિગતો જાહેર કરાતી હતી, પરંતુ હવે નામ સહિતની કેટલીક વિગતો આપવાનું બંધ કરવામાં આવ્યું છે. એ સામે સમજદાર વર્ગ અને લોકોમાં એવી ચિંતા જાગી છે કે એકતરફ સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોવિડ દર્દીઓ પર પરદો પાડી દેવાથી લોકોને કોનાથી અને ક્યા વિસ્તારથી દૂર રહેવું એની કોઈ જ ખબર નહીં પડે અને બીમારી વધુ ફેલાશે.તંત્ર દ્વારા કોરોના પોઝિટિવના નામ જાહેર કરાય તો અગાઉની જેમ જે-તે વિસ્તારમાં રહેતા લોકો અવગત થઇ બીમાર, વૃદ્ધ, બાળકો, સગર્ભાની સાવચેતી વધારી શકે તેમ તે વિસ્તારમાં જવા ઇચ્છુક લોકો જવાનું ટાળે.આમ, લોકો કોરોનાના સંક્રમણથી બચી શકશે અને તંત્ર ઉપરનો બોજ પણ હળવો થવાની સંભાવના રહેલી છે એવું સૂચન કેટલાક જાણીતા તબીબોએ પણ કર્યું છે.
જેને અનુસંધાને કોરોનાની માહિતી માટેના પ્રવક્તા ડી.ડી.ઓ. પ્રભવ જોશીને પૂછતાં તેમણે જણાવ્યુ હતું કે, લોકોની માંગણી સંદર્ભે તપાસ કરી વિચારણા કરાશે. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ થતા કોરોનાના 70 ટકા દર્દીઓને ઓક્સિજનની તકલીફ જણાય છે તેવી પ્રાપ્ત વિગતો અંગે ડી.ડી.ઓ. શ્રી જોશીને પૂછતાં તેમણે કહ્યું કે, સામાન્ય તકલીફવાળાને ઘરે જ રાખીએ છીએ. એલાયન્સમાં બે-ત્રણ ડોક્ટર જ છે. સાદી તકલીફવાળાને ગડા મોકલાવીએ છીએ જ્યારે ગંભીર દર્દીને જી.કે. કોવિડ વોર્ડમાં મોકલાય છે એટલે ઓક્સિજનની જરૂરતવાળા દર્દી વધુ હોય છે. તેમણે ખાનગી તબીબોને અનુરોધ કર્યો હતો કે, તેમણે કોવિડ વોર્ડમાં આવી સેવા આપવી જોઇએ અને કોરોના પોઝિટિવને પોતાની હોસ્પિટલમાં દાખલ કરવા જોઇએ. તંત્ર દ્વારા આ બાબતે અનુરોધ કરાયો હતો છતાં કો ?ખાનગી તબીબ આગળ નથી આવ્યા એવો ખેદ તેમણે દર્શાવ્યો હતો.