જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર ઠપ્પ

જામનગરમાં ગઇકાલે ધીમીધારે શરૂ થયેલા વરસાદે બપોર બાદ રૌદ્ર સ્વરૂપ ધરાણ કર્યું હતું. શરૂઆતમાં માત્ર જામનગર તાલુકામાં ભારે વરસાદ બાદ બપોરના ચાર વાગ્યા બાદ ધ્રોલ, જામજોધપુર અને લાલપુરમાં પણ અતિભારે વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં 10 ઇંચ અને સૌથી ઓછો સાડા ત્રણ ઇંચ વરસાદ જોડિયામાં નોંધાયો છે. જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યાં હતાં. કાલાવડથી જામનગર તરફના માર્ગમાં વિજરખી નજીક બેઠાપુલ ઉપર પાણી ભરાઇ જતાં કાલાવડ-જામનગરનો માર્ગ બંધ થઇ જવા પામ્યો હતો. જેના કારણે વાહન વ્યવહાર બંધ થતાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
હવામાન ખાતાની આગાહીને સાર્થક સાબિત કરતાં સમગ્ર ગુજરાતની સાથોસાથ જામનગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં સાડા ત્રણ ઇંચથી લઇ દશ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મેઘરાજાએ જોડદાર બેટીંગ કરતા જાણે ટી-20 રમતા હોય તેમ જિલ્લાના એક પણ તાલુકાને બાકાત રાખ્યો નથી. તમામ તાલુકાઓને જળબંબાકાર કરી દીધા છે.જામનગરમાં ગઇકાલે વહેલી સવારથી જ શરૂ થયેલો વરસાદ સતત દિવસ અને મોડી રાત્રી સુધી ચાલુ રહ્યો હતો. એક સાથે સતત વરસેલા વરસાદને કારણે પાણીના નિકાલની ગતિ ધીમી જ્યારે ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહની ગતિ પુરજોશમાં હોઈ, જિલ્લાના અનેક સ્થળો પર ગોઠણડૂબ પાણી ભરાઇ ગયાના બનાવો બન્યા હતાં. અનેક નિચાણવાળા વિસ્તારોમાં ઘરની અંદર પાણી ભરાઇ જતાં મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે બોટ દ્વારા રેસ્ક્યુ કરી રહેવાસીઓને સલામત રીતે બહાર કાઢવાની ફરજ પડી હતી.જ્યારે સમગ્ર જિલ્લાનું વહીવટી કાર્ય સંભાળતી જિલ્લા પંચાયત કચેરી ખૂદ પાણીથી જળબંબાકાર બની હતી. જિલ્લા પંચાયત કચેરીમાં અનેક વિભાગોમાં અને લીફ્ટમાં પાણી ભરાયાના બનાવો બનતા તંત્ર કચેરીની દસ્તાવેજી ફાઇલો પાણીથી બચાવવા કામે લાગ્યું હતું.