કંડલામાં ફરી ખાદ્યતેલ લીક થઈ પાણીમાં ભળ્યું

ગાંધીધામ તાલુકાના કંડલામાં આવેલા ખાનગી ટેન્ક સ્ટોરેજમાંથી કેમિકલ, તેલ લીક થવું, હવામાં કે જમીન ઉપર’ ઢોળાવું હવે નવું નથી રહ્યું .ત્યારે ફરી કોઈ ખાનગી કંપનીમાંથી તેલ લીક થઈને પાણીના પ્રવાહમાં ભળતાં તેને ભરી લેવા માટે લોકો બાલદી લઈને ત્યાં ધસી આવ્યા હતા. કંડલામાં અગાઉ અનેક વખત ખાનગી કંપનીના ટાંકાઓમાંથી કેમિકલ લીક થયું છે અને લોકોને આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ તથા ચામડી ઉપર ચાંદા પડવાના બનાવો બન્યા છે તેમજ પ્રવાહી કેમિકલ પણ અનેક વખત ઢોળાઈને પાણી મારફતે દરિયામાં મળ્યા છે.
આવા અમુક ખાનગી ટાંકાઓમાં આગ લાગવાના બનાવો પણ બન્યા છે અને કંડલા ખાલી કરવાના વારા પણ આવ્યા હતા. અહીં આવા બનાવો રોજિંદા બની ગયા હોવાનું લોકો જણાવી રહ્યા છે. આવા બનાવો સમગ્ર ગાંધીધામ સંકુલ માટે પ્રાણઘાતક છે. એક સામાન્ય ચૂક પણ આ સંકુલને સ્મશાનમાં ફેરવી શકે તેમ છે છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ફરી કંડલાના કેસર-સી.આર.એલ. ત્રણ રસ્તા પાસે કોઈ કંપનીમાંથી ઢોળાયેલું તેલ એકત્ર થયું હતું. અહીં પાણી ઉપર આવી ગયેલા તેલને લેવા માટે લોકો બાલદી, પાવડા લઈને દોડી આવ્યા હતા. અહીં આવેલા આ લોકો ખુલ્લા હાથ, પગ વડે આ તેલ બહાર કાઢતા હોવાથી આ તેલ જોખમી ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું, પરંતુ જો આ કેમિકલ જોખમી હોત તો અનેક લોકો તેની ઝપટમાં આવી જાય તેમ હતું, ત્યારે આવા બનાવો બનતા અટકાવવા જાગૃત લોકોએ માંગ કરી હતી.