વંડી-જોગણીનાર વચ્ચે પાણી ભરેલા ખાડામાં કિડાણાના બે કિશોર ડુબ્યા

copy image

કિડાણા રહેતા ત્રણ બાળકો આજે અંજાર તાલુકાના વંડી ગામથી જોગણીનાર તરફના રસ્તા વચ્ચે આવેલા પાણી ભરેલા ખાડામાં નહાવા ગયા હતા. દરમિયાન ત્રણ બાળકો પૈકી એક બહાર નીકળી ગયો હતો. જ્યારે અન્ય બે ખાડામાં ભરેલા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી, કંડલા પીઆઈ સહિતનો કાફલો બનાવસ્થળે દોડી ગયો હતો અને બંને બાળકોની શોધખોળના પ્રયાસો આદર્યા હતા.કંડલા મરીન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આજે સાંજના પથી ૬ વાગ્યાના અરસામાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે રહેતા ત્રણ બાળકો આજે સાંજના અરસામાં અંજાર તાલુકાના વંડી ગામથી જોગણીનાર તરફના રસ્તા વચ્ચે આવેલ ખાડામાં ભરેલા પાણીમાં નહાવા ગયા હતા. ત્રણેય કિશોર નહાતા હતા તે દરમિયાન બે બાળકો ડૂબવા લાગ્યા હતા. જ્યારે ત્રીજો કિશોર બહાર નીકળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસમાંથી લોકો એકઠા થઈ ગયા હતા અને કંડલા મરીન પોલીસને જાણ કરી હતી.વંડી નજીક પાણીના ખાડામાં બે બાળકો ડૂબી ગયા હોવાની ઘટનાને પગલે અંજાર ડીવાયએસપી ડી. એસ. વાઘેલા, કંડલા મરીન પીઆઈ એમ. એમ. જાડેજા તથા સ્ટાફના છત્રસિંહ ચુડાસમા સહિતનો કાફલો બનાવસ્થળે દોડી ગયો હતો અને બાળકોની ભાળ મેળવવાના પ્રયાસો આદર્યા હતા અને તરવૈયાઓ સહિતની મદદથી બાળકોની શોધખોળ આદરી હતી, પરંતુ કલાકોની જહેમત બાદ પણ બંને બાળકોના કોઈ સુરાગ સાંપડયા ન હતા. જેને પગલે અદાણી પોર્ટમાંથી ખાસ ટીમ બોલાવવામાં આવી હતી અને તેની મદદથી બાળકોની શોધખોળ આદરી હતી. તેમ છતાં કોઈ ભાળ મળી ન હતી. ઘટના અંગે કંડલા મરીન પીઆઈ એમ. એમ. જાડેજાનો સંપર્ક સાધતા તેમણે બનાવને સમર્થન આપીને જણાવ્યું હતું કે, હજુ સુધી શોધખોળ ચાલુ છે, પરંતુ બાળકોના કોઈ સુરાગ હાથ ન લાગ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.