ભુજમાં હોમગાર્ડ જવાને આત્મહત્યા કરી લીધી

(ભુજ) ભુજ શહેરમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતાં 30 વર્ષના જવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. હતભાગી કપિલસિંહ ચેતસિંહ રાઠોડ ભુજ એ ડિવિઝન પોલીસ મથક પાછળ સીટી પોલીસ લાઈનમાં રહેતો હતો.
બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં ભુજના આશાપુરા મંદિર પાસે સવાઈ ફળિયામાં રહેતા તેના ફોઈબાના ઘેર સિલીંગ ફેનમાં નાયલોનની દોરીમાં લટકી જઈ ગળેફાંસો ખાઈ લીધો હતો.
પિતા ચેતસિંહ કપિલને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલ લઈ આવ્યાં હતા પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. કપિલ અપરિણીત હતો અને તેના પિતા નિવૃત પોલીસ જમાદાર છે. બનાવ અંગે ભુજ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં કપિલે લખેલી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું છે ‘બધા મને માફ કરી દેજો.. મને દસ-પંદર દિવસથી ટોર્ચર કરાતો હતો…’ જો કે, તેમાં કોઈના નામ ના હોવાનો ખુલાસો કરી પોલીસે હાલપૂરતી વધુ વિગત જાહેર કરવાનું ટાળ્યું છે.
કપિલને કોણ અને શા માટે ટોર્ચર કરતું હતું તે બાબતને લઈ રહસ્ય ઘેરાયું છે. જુવાનજોધ દીકરાના આપઘાત બાદ પરિવારજનો આઘાતમાં હોઈ પોલીસે વધુ પૂછતાછ અને નિવેદન લેવાનું ટાળ્યું છે.