કોરોનામાં પેરોલ મેળવ્યા પછી નાસતા ફરતા ત્રણ કેદી પકડાયા

મળતી માહિતી મુજબ: કોરોના વાયરસના લીધે જેલમાં રહેલા પાકા-કાચા કામના કેદીઓને વચગાળાના જામીન આપી પેરોલ પર છોડવામાં આવ્યા હતા, પરંતુ પેરોલની મુદત પૂરી થઇ ગયા બાદ કેદીઓ જેલમાં પરત નહીં ફરતા પોલીસે નાસતા ફરતા કેદીઓને ઝડપી લેવા ઝુંબેશ શરૂ કરી છે. જે ઝુંબેશમાં રાજકોટ, જિલ્લા અને રેન્જ પોલીસે પેરોલ જમ્પ કરી નાસતા ફરતા ત્રણ કેદીને ઝડપી લીધા છે. રાજકોટ શહેર પોલીસની ક્રાઇમ બ્રાંચે કોઠારિયા રોડ, રણુજા સોસાયટી-4માંથી લીંબડીના ભલગામડા ગામના ગોપાલસિંહ વનરાજસિંહ રાણાને પકડી પાડ્યો છે.

આરોપી ચાર વર્ષ પહેલા થયેલી હત્યાના ગુનામાં સંડોવાયો હોવાથી રાજકોટ મધ્યસ્થ જેલહવાલે કરાયો હતો. ફેબ્રુઆરીમાં 7 દિવસના પેરોલ મેળવ્યા બાદ તે પરત નહીં આવી નાસતો ફરતો હતો. રાજકોટ રેન્જની સ્ક્વોડે ઢાંઢણી ગામેથી ભૂપત કડવાણીને પકડી પાડ્યો હતો. પકડાયેલા શખ્સે છ વર્ષ પૂર્વે હત્યા કરી હતી. જે ગુનામાં આજીવન કેદની સજા પડતા રાજકોટ જેલહવાલે કરાયો હતો. દરમિયાન 90 દિવસના પેરોલ મેળવ્યા બાદ તે છેલ્લા બે મહિનાથી નાસતો ફરતો હતો. જ્યારે રાજકોટ જિલ્લાની ગુનાશોધક શાખાએ જામનગર રોડ, ગાયત્રીધામ સોસાયટી-2માં રહેતા કેદી જગદીશસિંહ સામતુભા જાડેજાને સાધુવાસવાણી રોડ પરથી ઝડપી લીધો હતો. પકડાયેલા કેદી પડધરીમાં થયેલી હત્યાના ગુનામાં કાચા કામના કેદી તરીકે રાજકોટ જેલમાં હતા. અને વચગાળાના જામીન મેળવી નાસતા ફરતા હતા.