સોનગઢના લીંબી 3 રસ્તાથી બાર ભેંસ ભરેલ ટ્રક સાથે 2 પકડાયા

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં લીંબી ગામની સીમમાં 3 રસ્તાથી બાર ભેંસો ભરેલ ટ્રક સાથે બે ઈસમોને ઉકાઈ પોલીસે પકડ્યા હતા.આ ભેંસો ગેરકાયદેસર રીતે પાટણથી મહારાષ્ટ્ર ખાતે કતલ કરવાના ઇરાદે લઈ જવાતી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ટ્રક અને ભેંસો મળી કુલ 11 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે આણંદ તરફથી માંડવી ઉકાઈ રોડ ઉપરથી એક ટ્રક નંબર જીજે-24-એક્સ-2003માં ખીચોખીચ ભેંસો ભરી મહારાષ્ટ્ર તરફ જનાર છે.જે હકીકતના આધારે ઉકાઈ પોલીસે લીંબી ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી હતી તે દરમ્યાન બાતમી મુજબની ટ્રક આવતા તેને અટકાવી હતી. ચાલક અહેમદખાન બાગેખાન બલોચ (રહે, રસુલ તલાવ, સિદ્ધપુર,જી-પાટણ) તથા ક્લીનર અનવરખાન હુસેનખાન સિપાહી (રહે, તાહેરપુરામ સિદ્ધપુર, જી-પાટણ) નાઓને ઝડપી પાડી ટ્રકમાં તપાસ કરતાં અંદરથી 12 જેટલી ભેંસો ખીચોખીચ ટૂંકા દોરડા વડે બાંધેલ મળી આવી હતી. ચાલક પાસે જે અંગે પાસ પરમિટની માંગણી કરતાં મળી આવી ન હતી. પોલીસે ચાલકની વધુ પૂછપરછ કરતાં આ પશુઓ મલેગાવ મહારાષ્ટ્ર ખાતે લઈ જવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ટ્રક તેમજ 12 ભેંસો મળી કુલ 11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.