જામીન અરજીમાં છેડછાડ કરનાર નથ્થરકુઇના આરોપી વિરુધ્ધ ફરિયાદ

મળતી માહિતી મુજબ – 2 વર્ષની બાળકી સાથે શારિરીક અડપલાના કેસમાં ઝડપાયેલા સાળાને છોડવવા માટે જામીન અરજીમાં ઓવર રાઇટીંગ કરીને કોર્ટના દસ્તાવેજ સાથે છેડછાડ કરનાર નથ્થરકુઇના શખ્સ સામે જિલ્લા ન્યાયાલયના ડેપ્યુટી રજિસ્ટ્રાર દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો.
ભુજ સેશન્સ કૉર્ટના ઈન્ચાર્જ ડેપ્યુટી રજિસ્ટ્રાર સી.કે.વોરાએ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ભુજના નથ્થરકુઈ ગામના કાન્તિભાઈ રામજીભાઈ લોન્ચા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપીએ પોતાના સાળાને જામીન પર છોડાવવા જામીન અરજીના અસલ દસ્તાવેજમાં ચેડાં કરી કૉર્ટમાં તેને ખરા તરીકે રજૂ કરી ગુનો કર્યો હોવાનું જણાવાયું છે. ગત 20મી ઓક્ટોબર 2019નાં રોજ માંડવીના ગઢશીશામાં મહેશ ઝવેરલાલ આંઠુ નામના યુવકે પડોશમાં રહેતી બે વર્ષની માસૂમ બાળકીને અવાવરૂ મકાનમાં લઈ જઈ નિઃવસ્ત્ર કરી શારિરીક અડપલાં કર્યાં હતા. બાળકીએ રાડારાડ કરી મૂકતાં લોકોએ ભેગાં થઈને મહેશને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો. ગઢશીશા પોલીસે મહેશ વિરુધ્ધ આઈપીસી 354 (ક) અને પોક્સો તળે ગુનો દાખલ કરી જેલ હવાલે કર્યો હતો. દરમિયાન આ કેસમાં આરોપી મહેશે રેગ્યુલર જામીન પર મુક્ત થવા ગત 21 ઑગસ્ટ 2020નાં રોજ ભુજના બીજા અધિક સેશન્સ જજની કૉર્ટમાં અરજી કરી હતી. જેમાં આરોપી કાંતિલાલ રામજી લોંચાએ તેના સાળા મહેશને જામીન પર છોડવવા માટે જામીનના દસ્તાવેજમાં માનસિક આરોગ્યની હોસ્પિટલના પ્રમાણપત્રની એક ફોટોકોપી હતી. પ્રમાણપત્રમાં મહેશની માતા રાજીબેનની ઉમર 55 વર્ષની જગ્યાએ ઓવરરાઈટીંગ કરાઈ 65 વર્ષની વય કરી તેની ફોટોકોપી રજૂ કરાઈ હતી. જે કોર્ટના ધ્યાને આવતાં કૉર્ટે દસ્તાવેજમાં ચેડાં કરનારાં કાન્તિ લોંચા સામે આઈપીસી 465 અને 471 હેઠળ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.