ગાંધીધામ/ ભારતનગરના મકાનમાં આગ લાગતાં ખાખ

ગાંધીધામના ભારતનગરમાં આવેલી જનતા કોલોનીમાં એક મકાનમાં લાગેલી આગને લીધે ઘરવખરી બળીને ખાક થઇ ગઇ હતી. શોર્ટ સર્કિટને કારણે લાગેલી આ આગને ફાયર ફાઇટર ટીમની મહેનત બાદ બે કલાકે કાબુમાં આવી હતી.
વોર્ડ-11, ભારતનગરની જનતા કોલોનીના પ્લોટ નંબર 318 માં સાધુ વાસવાણી સોસાયટીમાં રહેતા અને નાસ્તાની લારી ચલાવતા પ્રકાશ મુલચંદભાઇ ખીમાણીએ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવ્યું હતું કે, ગત સવારે નાસ્તાની લારી પર ચાવલા ચોક ગયો ત્યારબાદ સાડા નવ વાગ્યે તેમના પત્ની મીનાબેને ફોન કર્યો હતો કે ઘરમાં આગ લાગી છે. જાણ થતાં તેઓ ઘરે પહોંચ્યા ત્યારે ફાયર ફાઇટર ટીમ આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહી હતી. બે કલાકની જહેમત બાદ શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ કાબુમાં આવી હતી. આગ કાબુમાં આવ્યા બાદ તેમણે ઘરમાં જઇ તપાસ કરતાં એસી, ટીવી, પંખા અને ઘરવખરી બળીને ખાક થઇ ગઇ હતી. આ મકાનમાં તેમના નાના ભાઇ દેવીદાસ મુલચંદ ખીમાણી રહે છે અને તેઓ હાલ સારવાર અર્થે જામનગર ગયા હોઇ કેટલું નુકશાન થયું છે એ તેઓ આવે ત્યારે સાચો ખ્યાલ આવી શકે તેવું તેમણે નોંધાવ્યું હતું. આ આગના બનાવને કારણે આસપાસના રહેવાસીઓમાં દોડધામ મચી હતી.