આ વર્ષે માતાના મઢનાં યાત્રીઓને પણ નડ્યો કોરોનાનું ગ્રહણ


મૂંબઈ: આગામી નવરાત્રીને પણ કોરોનાનું ગ્રહણ નડયું છે તેમજ મોટા ભાગના આયોજકોએ ઉજવણી ન કરવા જાહેર કરેલ છે તેમજ સરકારે પણ હજુ સુધી કોઈ ગાઈડલાઈન બહાર પાડી નથી અને આ બાબતે વિચારણા હેઠળ છે. ત્યારે મૂંબઈથી 900 કિલોમીટર દુર આવેલા માતાના મઢ એટલે કે કચ્છનાં આશાપુરા માતાની યાત્રાને પણ કોરોનાનું ગ્રહણ નડયું છે.
અત્યારે કોરોનાને પગલે એવી પરિસ્થિતિ કે મંદિર દર્શન માટે ખુલ્લું છે.પણ ત્યાં રહેવાની કોઈ વ્યવસ્થા નથી અને આ વર્ષે રસ્તામાં પણ કોઈ સંસ્થા પણ કેમ્પનું આયોજન કરવાની નથી.
કચ્છના આશાપુરા મંદિરે દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો સાયકલ પર કે ચાલીને કે અન્ય વાહનોમાં જાય છે તેમાં પગપાળા જતા લોકો માટે 500 થી વધુ કેમ્પ રસ્તામાં લાગેલા હોય છે. જેમાં દર્શન કરવા જતા લોકો માટે ખાણી-પીણીની સાથે રહેવાની વ્યવસ્થા હોય છે.પરંતુ આ વર્ષે કોરોના મહામારીનાં કારણે કેમ્પનું આયોજન કરતી સંસ્થાઓ પોતાના કેમ્પ કરવાની નથી.
આશાપુરા માતાના મઢનાં ટ્રસ્ટી રાજાબાવાએ જણાવ્યું હતુંકે હાલ અમારૂ મંદિર ખુલ્લુ છે. અહી લોકો માત્ર દર્શન માટે આવી શકે છે.અન્ય કોઈ સુવિધા અહીં નથી એટલે આવનાર વ્યકિતઓ પોતાની તૈયારી સાથે આવવું. આ વર્ષે કોઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું નથી.
મુંબઈમાં અનેક ગ્રુપો દર વર્ષે સાયકલ પર માતાના મઢે જતા હોય છે પણ કોરોના મહામારીને લઈને આ વર્ષે સાયકલ યાત્રીઓની સંખ્યા ઘટાડવામાં આવી છે.છેલ્લા 14 વર્ષથી માતાના મઢના યાત્રીઓ માટે કેમ્પ યોજતા મુલુંડનાં પીયુષ ભીંડેએ જણાવ્યું હતું કે આ વર્ષે અમે કોઈ કેમ્પ નથી યોજવાનાં. આ વર્ષે સાચી સેવા સરકારને મદદ કરવાની છે.