ભચાઉ તેમજ સામખિયાળી વચ્ચે પોણા બે લાખની કિંમતનો ટાઇલ્સનો ચોરી કરેલ જથ્થો ઝડપાયો


(ગાંધીધામ) ભચાઉ તેમજ સામખિયાળી વચ્ચે વોંધ પાસે આવેલી એક હોટેલ પાસે LCB એ રેડ પાડી હતી. અહીંથી રૂા. 1,75,300ની ચોરી કે છળકપટથી મેળવાયેલી ટાઇલ્સ સાથે એક ઇસમની અટક કરાઇ હતી. જ્યારે સ્થાનિકનો એક ઈસમ પોલીસના હાથે લાગ્યો ન હતો. ભચાઉ-સામખિયાળી ધોરીમાર્ગ ઉપર સ્થાનિક ગુનાશોધક શાખાની એક ટીમ પેટ્રોલિંગમાં હતી, દરમ્યાન વોંધ પાસે આવેલી બાલાજી ચૌધરી હોટેલ પાછળ ચોરી કે છળકપટથી મેળવાયેલી ટાઇલ્સનો’ જથ્થો ઝડપ્યો હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી. આ હોટેલ પાસે પોલીસે છાપો મારી બાડમેર રાજસ્થાનના ગણેશલાલ ખિયારામ જાટની અટક કરી હતી. જ્યારે ભચાઉના ભઠ્ઠા વિસ્તારમાં રહેનાર સાલેમામદ મામદ કુંભાર નામનો શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો.આ હોટેલ પાછળથી અલગ અલગ કંપનીની બનાવટની ટાઇલ્સના 595 બોક્સ કિંમત રૂા. 1,75,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. મુંદરાથી અંજાર, ગાંધીધામથી સામખિયાળી સુધીના પટ્ટામાં આવેલી અનેક હોટેલો ઉપર ટ્રકચાલકોને લાલચ આપી માલ કાઢી લેવાય છે અથવા સેરવી લેવાતો હોવાનું જગજાહેર છે, ત્યારે આવી અનેક હોટેલોની તપાસ કરવામાં આવે તો ચોરી કે છળકપટથી મેળવાયેલો જુદો જુદો માલ કબ્જે કરી શકાય તેમ હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું.’