વિમાનની સુરક્ષાને ખતરામાં નાખવા પર હવે રૂા.1 કરોડનો દંડ વસૂલાશે

નવી દિલ્હી: વિમાનમાં સુરક્ષાને ખતરામાં નાખવા પર હવે દંડની રકમ રૂા.10 લાખને વધારીને રૂા.1 કરોડ કરવામાં આવી છે. રાજયસભામાં વાયુયાન સંશોધક વિધેયક 2020 પસાર થઈ ગયું છે. નાગરીક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે તેનાથી દેશમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં નાગરીક ઉડ્ડયન મહા નિદેશાલય, નાગરીક ઉડ્ડયન સુરક્ષા કાર્યાલય અને વિમાન દુર્ઘટના તપાસ કાર્યાલયને વધારે અસરકારક બનાવી શકાશે.આ સંશોધન વિષયક અનુસાર વિમાનની સુરક્ષા ખતરામાં નાખવા પર એક કરોડ રૂપિયા સુધીનો દંડ લગાવી શકાશે, હાલ આ દંડની વધુમાં વધુ રકમ 10 લાખ છે. વધુમાં હરદીપ પુરીએ જણાવ્યું હતું કે દેશમાં 109 વિમાનમથકો કાર્યરત છે, આગામી પાંચ વર્ષમાં 100 વધારાના વિમાન મથકો બનાવવામાં આવશે. સરકારનો પ્રયાસ છે કે વિમાન યાત્રા સુરક્ષિત, સુલભ અને સસ્તી બને. સુરક્ષાનાં સંબંધમાં સરકાર કોઈ સમાધાન કરવા નથી માંગતી.