પલસાણાના વરેલીમાં યુવક પર હથોડા અને ચપ્પુ સાથે હુમલો કરનાર પકડાયો

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલીમાં આવેલ ગીત ગોવિંદ સોસાયટીમાં રહેતા એક યુવાન ઉપર અજાણ્યા શખ્સે રાત્રિના સમયે હથોડા તેમજ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ અજાણ્યા શખ્સને બે માસ બાદ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસે કડોદરા સીએનજી પંપ નજીકથી ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પલસાણા તાલુકાનાં વરેલી ગામે ગીત ગોવિંદ સોસાયટીમાં પ્રથમ રેસિડન્સીના ચોથા માળે રહેતા શુભમસિંગ ઉદયસિંગ રાજપૂત ગત તા-14-7-2020ના રોજ રાત્રિના સમયે રૂમમાં સૂઈ ગયો હતો. તે સમયે એક અજાણ્યો શખ્સ રૂમની બારીના ભાગેથી પ્રવેશ્યો હતો અને શુભમસિંગ જાગી જતાં આ અજાણ્યા શખ્સે તેના ઉપર હથોડા તેમજ ચપ્પુ વડે હુમલો કરી ભાગી છૂટ્યો હતો.  તે દરમ્યાન આ ઘટનાને અંજામ આપનાર એક ઈસમ શંકાના દાયરામાં આવ્યો હતો. જેથી આ શખ્સની તપાસ કરતાં કડોદરા જી.આઈ.ડી.સી પોલીસના એ.એસ.આઈ મહેશભાઇ બાબુભાઇ નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે યુવાન ઉપર હુમલો કરનાર બાલકુમાર ઉર્ફે ચંદન બાલગોવિંદ હલ્દકાર (હાલ રહે, ગણેશનગર સીટી ગેટ, આશીર્વાદ નગર, પાંડેસરા સુરત, મૂળ રહે, મૂડીયાપૂરવા મોહલ્લા, જી-કટની, મધ્યપ્રદેશ) કે જે કડોદરા સીએનજી પંપ નજીક આવનાર છે જે હકીકતના આધારે પોલીસે તેને ત્યાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સનો કોરોના ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરી છે.