ભુજના ફૂટપાથ અને ડિવાઇડર ઉપર બાવળની ઝાડી ઊગી નીકળી
ભુકંપ પછી શહેરમાં બનેલા રિંગરોડ તથા ડબલ રોડ અને ડિવાઇડરનું સુશોભન પણ થયું છે, પરંતુ ડિવાઇડર હોય કે ફૂટપાથ સુધરાઇએ તેની જાળવણી કરવાના બદલે અનાથ’ છોડી દેતાં રાહદારીઓ માટે સમસ્યા સર્જાઇ છે. શહેરના મંગલમ, ઉમેદનગર, સ્ટેશન રોડ સહિતના ડિવાઇડર અને ફૂટપાથ પર આડેધડ બાવળની ઝાડી ઊગી નીકળી છે. ચોમાસામાં ભારે વરસાદ થવાને કારણે બાવળની ઝાડી ઊગી નીકળતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. નગરજનો કહે છે “નગરપાલિકા કે અન્ય તંત્ર હજુયે બેદરકારી દાખવશે તો અત્યારે નાની દેખાતી સમસ્યા મોટા અકસ્માતનું કારણ બની શકે છે.” નવાઇની વાત તો એ છે કે, તંત્રોએ ડિવાઇડર વચ્ચે જે વૃક્ષારોપણ કર્યું છે તેની વૃદ્ધિ કરતાં ગાંડા બાવળનો વિકાસ એટલો વધી ગયો છે કે, હવે આ ઝાડને પણ ભરડો લીધો છે. અહીં ઉલ્લેખનીય છે કે, શહેરની ફૂટપાથ તો પાથરણાવાળાઓ કે ફ્રૂટ જ્યુસ, ખાણી-પીણીના ધંધાર્થીઓને અઘાટ લખી આપી હોય તેમ ફૂટ નહીં પણ `ફૂડપાથ’ બની રહેલ દેખાય છે.
-સૂત્રો અનુસાર