પૂર્વ કચ્છમાં દારૂના પાંચ દરોડામાં પકડાયો 1.67 લાખનો શરાબ સાથે થઈ પાંચ આરોપીઓની ધરપકડ
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અંગ્રેજી અને દેશી દારૂ અંગેના પાંચ જુદા-જુદા દરોડા પાડી એસ.ટી. બસના ડ્રાઈવર અને કંડકટર સહિત પાંચ શખ્સોની ધરપકડ કરાઈ હતી. આ દરોડાઓમાં રૂા.1,67,350નો શરાબનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. જો કે આ કાર્યવાહી દરમ્યાન બે આરોપી નાસી જવામાં પણ સફળ રહ્યા હતા. અંજાર તાલુકાના મેઘપર બોરીચીની કનક રેસિડેન્સીના મકાન નંબર 211માં સ્થાનિક પોલીસ દ્વારા પૂર્વ બાતમીના આધારે છાપો માર્યો હતો.આ મકાનમાંથી ગૈતમ વાસુદેવ કુશવાહની ધરપકડ કરવામાં આવી હતી. તેના કબ્જાના આ મકાનમાંથી બકારડી, જોની વોકર, સીવાસ રીગલ,એન્ટીકુટી,જેક ડેનિયલ વગેરે મોંઘા પ્રકારના દારૂની બોટલો તથા તેની એકટીવા નંબર જી.જે.12.ડી.કયુ. 7934માંથી જોની વોકરની બોટલ એમ કુલ 33 બોટલ કિંમત રૂા.1,24,250નો અંગ્રેજી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ શખ્સ દારૂ કયાંથી લાવ્યો તે હજુ બહાર આવ્યું નથી. અંજારની મામલતદાર કચેરી પાસે એસ.ટી બસ નંબર જી.જે.18.ઝેડ.5788ને ભુજ એસ.ટી. વિભાગની સુરક્ષા શાખા વિભાગીય કચેરીની ટીમે રોકાવી હતી. મુંદરા ડેપોની આ બસ દાહોદ મુંદરા રૂટની હતી. તેના ચાલક પપ્પુ ત્રિકમ રાઠવા અને કંડકટર કમલેશ ધરમચંદ દોશી પાસેથી એક-એક શરાબની બોટલ મળી આવી હતી. આ બન્નેને પકડી પાડી પોલીસના હવાલે કરાયા હતા. રૂા.700ની આ બે બોટલના બનાવમાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. વધુ એક દરોડો રાપરના ચિત્રકૂટ નગર, અયોધ્યાપુરી વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. અહીં એક મકાનમાંથી નરેન્દ્રસિંહ ઉર્ફે મેંદો પ્રવીણસિંહ વાઘેલા નામના શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો.આ શખ્સના મકાનમાંથી જુદી-જુદી બ્રાન્ડની 142 બોટલ કિંમત રૂા.30,550નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. તેને બે દિવસ પહેલાં રવ ગામનો યશપાલસિંહ બળવંતસિંહ જાડેજા નામનો શખ્સ આ દારૂ આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું. હાથમાં ન આવેલા આ શખ્સને પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. દારૂનો વધુ એક દરોડો ભચાઉ સામખિયાળી વચ્ચે ઈ.ટી. કંપની પાસે પાડવામાં આવ્યો હતો.અહીં આવેલી રામદેવ ચાની હોટેલ ઉપર પોલીસ ત્રાટકી હતી. અહીંથી દુકાનના સંચાલક એવા ભોમારામ ગોમારામ જાટ નામના શખ્સની અટકાયત કરવામાં આવી હતી. તેની પાસેથી રૂા.4650નો દારૂ કબ્જે લેવામાં આવ્યો હતો. તેને ભચાઉનો તથા ઈ.ટી. કંપનીમાં રાજ ટ્રાન્સપોર્ટમાં કામ કરતો વિવેક બાવાજી નામનો ઈસમ દારૂ આપી ગયો હોવાનું ખુલ્યું હતું. આ વિવેકને પકડી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. ખેડોઈ નજીક ઈન્ડિયન પેટ્રોલપમ્પ સામે સંધુ સંગતપુર નામની હોટેલમાં પોલીસે છાપો માર્યો હતો.અહીં ઉભેલી એક ગાડીમાંથી રૂા.7200નો દેશી દારૂ કબ્જે લેવામાં આવ્યો હતો. તેમજ દારૂ રાખનારા ગુરબેજસિંગ હરદેવસિંગ જાટ નામના શખ્સની અટક કરવામાં આવી હતી. – સૂત્રો અનુસાર