સરકારે પલટી બાજી, ચૂંટણી દરમ્યાન કેટલાક આરોપીઓની જામીન …

ચૂંટણીની પ્રક્રિયા શરૂ થતાજ સરકારે પોત-પોતાના ઉમેદવારની સરકાર માટે પ્રચાર શરૂ કરી દીધા છે ત્યારે ભાજપ સરકારે બાજી પલટી છે સૂત્રો પ્રમાણે ભાજપના પૂર્વ મહામંત્રી જયંતિ ભાનુશાળીની હત્યાના કેસમાં સંડોવાયેલા, છેલ્લા દોઢ વર્ષથી બેન્કો સાથે કરોડોની ઠગાઈના કેસમાં જેલવાસ ભોગવી રહેલા અને ભાજપના એક સમયના કચ્છના દિગ્ગજ મનાતા જયંતી ઠક્કર ઉર્ફે ડૂમરાને અચાનક જ જેલમાંથી પેરોલ પર મુક્તિ મળી છે. આ અંગે કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે, અબડાસા બેઠકની પેટા-ચૂંટણીમાં હારી ગયેલી ભાજપે જીતવાના પ્રયાસરૂપે જ ડૂમરાને જેલમાંથી બહાર કઢાવ્યા છે.
જયંતી ડૂમરાએ જેલવાસના દોઢ વર્ષ દરમિયાન અનેક વખત જામીન પર છૂટવાના પ્રયાસો કર્યા છે. પરંતુ, અત્યાર સુધી તેમની દરેક જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. જયંતી ડૂમરા સામે બેન્કો સાથે કરોડોની ઠગાઈ ઉપરાંત જયંતી ભાનુશાળીની હત્યામાં શાર્પશૂટર્સને પાંચ લાખ આપ્યાનો પણ આરોપ છે.
ચૂંટણી જાહેર થવી અને તે જ સમયે જયંતી ડૂમરા દ્વારા માંદગીના કારણો રજૂ કરવામાં આવે અને તેને પેરોલ પર મુક્ત કરવામાં આવે તેને સામાન્ય રીતે ભલે રસપ્રદ યોગાનુયોગ માની લેવાતો હોય પરંતુ વિધાનસભામાં વિરોધપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જૂન મોઢવાડિયા એવો આક્ષેપ કર્યો છે કે, ભાજપે અબડાસાની બેઠકમાં શામ-દામ-દંડ-ભેદ એમ સઘળા દાવપેચ અજમાવી જીતવા માટે જ જયંતી ડૂમરાને જેલબહાર કઢાવ્યા છે.
આ આક્ષેપના સમર્થનમાં એ હકીકત પણ નોધવા જેવી છે કે, અચાનક જ ડૂમરા બિમાર પડી જાય છે અને તેમની અરજી સામે સરકાર દ્વારા કોઈ જ વિરોધ કરવામાં આવતો નથી. પરિણામે ડૂમરાને જેલમુક્તિ મળે છે. જો ડૂમરા ખરેખર બિમાર છે તો તેમને જેલ સત્તાવાળા હોસ્પિટલમાં સારવાર કેમ નથી કરાવતા…? એવો પણ સવાલ તેમણે પૂછયો છે. માત્ર ડૂમરા જ નહીં, અબડાસાની બેઠક જીતવા ભાજપ અનેક ગુનેગારોને જેલમાંથી બહાર કાઢી રહી હોવાના તેમણે આક્ષેપ કર્યા છે.ભૂતકાળમાં ડૂમરાએ એકલા હાથે આ બેઠકને જીતાડવા ભાજપને ઘણી મદદ કરી હતી. ફંડથી માંડી મતદાનની આગલી રાત્રીએ કઈ રીતે ભાજપની તરફેણમાં બાજી ફેરવી નાખવી, તેમાં તેમની નિપૂણતા મનાય છે. એકસમયે તેઓ ભાજપના ટોચના નેતાઓની ખૂબ જ નજીક હતા. પરંતુ કેટલાક મુદ્દે હાઈકમાન્ડ સામે વાંકુ પડયા બાદ તેમના ગ્રહો બદલાયા હતા જેના પરિણામે બેન્ક સાથે કરેલ કરોડો રૂપિયાની ઠગાઈમાં તેમને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યા હતા.
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા દ્વારા એવું પણ સિદ્ધ કરાઇ રહ્યું છે કે માત્ર જયંતિ ઠક્કરને જ જામીન મળી હોય એવુ નથી પરંતુ ગુજરાતના સાતથી આંઠ જિલ્લાઓમાં અનેક ગુનેગારોને સરકારે જામીન આપવામાં મદદ કરી છે. ખાસ કરીને પાસાના અનેક ગુનેગારોને જેલમાથી બહાર કાઢેલ છે જેમનો પેટાચૂંટણી જીતવા માટે આવા ગુનેગારોનો ઉપયોગ કરાશે, તેવો ભય પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
-મળતા અહેવાલ પ્રમાણે