જેઠલજ ગામમાં કપિરાજે(વાંદરાએ) 7 મહિલાને બચકાં ભરી લીધાં

જ્યાં કોરોનાનો ત્રાસ ગયો નથી કે બીજી અનેક સમસ્યાઓ ઊભી થઈ જાય છે. ચોરી, આપઘાત જેવા કિસાઓ તો જોવા મળતા હતા પણ હવે રખડતા ઢોરનો, જંગલી પશુ-પક્ષી અને પ્રાણીઓનો જોવા મળે છે.
હાલ કલોલ તાલુકાના જેઠલજ ગામમાં છેલ્લાં બે દિવસથી એક કપિરાજે ભારે આતંક મચાવ્યો છે. જેમાં આ વાંદરો લોકોના ઘરમાં જઈ કેટલાંક લોકોને બચકા ભરી લેતો હોવાના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. અત્યાર સુધીમાં આ વાંદરો સાત મહિલાઓને કરડી ગયો છે. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચવા પામી છે. આ અંગે ગામના સરપંચ મહેબુબભાઈ મલેકે ફોરેસ્ટની ઓફિસે જાણ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ગામના લોકો તેમજ વનવિભાગની ટીમ બે દિવસથી વાનરને પકડવાના પ્રયાસો કરી રહ્યા છે તેમજ ગામમાં વાનરને પકડવા માટેનું પાંજરૂ પણ ગોઠવી દીધુ છે.
દરમિયાન આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને કલોલ આર.એફ.ઓ પ્રિયન પટેલ, ફોરેસ્ટર બલવંતસિંહ સોલંકી, વિનાબહેન તેમજ કલોલ ફોરેસ્ટના હિતેશ પંચાલ સહિતની ટીમ આ વાનરને પકડવા માટે ગામમાં પહોંચી ગઈ હતી. તેમજ પાંજરું મુકીને આ વાંદરાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી . જોકે લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે હાલ વાનરોનો મેટિંગ પિરિયડ ચાલતો હોવાથી આ વાનર ખાસ કરીને મહિલાઓ સાથે જ આવી હરકત કરી રહયો હોય તેમ લાગી રહ્યુ છે.