રાજકોટ ભાજપે પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની પ્રાર્થનાસભા યોજી, જુનાગઢ માર્કેટ યાર્ડમાં બે મિનીટનું મૌન પરંતુ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલાયું

આજે રાજકોટ ભાજપ દ્વારા શહેરના ભાવનગર રોડ પર આવેલી પટેલવાડી ખાતે પુષ્પાંજલિ અને પ્રાર્થનાસભા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ સ્વ. કેશભાઈ પટેલના નિધન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી અને 2 મિનિટનું મૌન રાખ્યું હતું. તથા રાજકોટ સિવાય જુનાગઢમાં પણ માર્કેટ યાર્ડમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી તે પહેલા તમામ સભ્યોએ બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાજકોટ અને જુનાગઢમાં યોજાયેલા શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ભાજપના નેતાઓએ 2 મિનિટનું મૌન ધારણ કર્યું હતું પરંતુ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા.

સૂત્રો અનુસાર રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, કેશુબાપા ભાજપના ભીષ્મ પિતામહ કહેવાયા છે કારણે તેમણે કેટલાક લોકોની મદદની સાથે અનેક ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા હતા. કેશુબાપાનું થોડા દિવસ પહેલા અવસાન થયું છે ત્યારે આજે સમગ્ર ગુજરાતના જિલ્લામાં ભાજપ દ્વારા પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં ચાર લોકોએ શરૂઆત કરી હતી. જેમાં કેશુબાપા તેમાના એક છે. કેશુબાપાના નિધનથી સમગ્ર રાજ્યના ખેડૂતો અને લોકોમાં આઘાતની લાગણી પરવર્તી હતી. ભાવનગર શહેર ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી હતી. જેમાં ભાજપ અને RSSના અગ્રણીઓ, કાર્યકરો, સામાજિક અને વેપારી સંસ્થાઓના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધાંજલિ સભામાં પૂર્વ ભાજપના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ રાણા સહિત અનેક જનસંઘ અને ભાજપમાં કેશુભાઈ સાથે કામ કરનાર આગેવાનોએ ભાવાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કેશુબાપા સાથેના અનુભવો જણાવ્યા હતા.

-સૂત્રો અનુસાર