દેશના અમૂક રાજ્યોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, જ્યારે ગુજરાતમાં ફૂટશે ફટાકડા :

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ગુજરાત સરકાર પાસેથી દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાગુ કરવા અંગે નોટિસ પાઠવી જવાબ માગવામાં આવ્યો છે. જોકે ગુજરાત સરકાર ફટાકડા પર બ્લેન્કેટ બેનની જેમ પ્રતિબંધ લાગુ કરવાના મૂડમાં નથી. ગુજરાત સરકાર આ મુજબ જ ટ્રિબ્યુનલને જવાબ પાઠવવા જઇ રહી છે. ગુજરાત સરકારનાં સૂત્રો પાસેથી વિગતોમાં જાણકારી માહિતી મુજબ, મૂળભૂત રીતે નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થાય અને ગરબા રમે એમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભય રહેલો હતો, તેથી ગરબા પર પ્રતિબંધ મુકાયો હતો, પરંતુ ગુજરાત સરકાર દિવાળીના તહેવારો પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાના લાગમાં નથી, કારણ કે દિવાળી સાથે ગુજરાતી નવું વર્ષ આવે છે તથા આઠ મહિના લાંબા લોકડાઉનથી કંટાળેલા લોકોના જીવનમાં દિવાળીના પર્વ દરમિયાન આનંદ અને ઉલ્લાસનો પ્રકાશ ફેલાય એ માટે સરકાર આ પ્રતિબંધ ઇચ્છતી નથી. મુખ્યમંત્રી પણ ઇચ્છે છે કે ” લોકો ખુશ રહેશે તો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પણ જળવાશે.” જોકે રાબેતા મુજબ દિવાળીના તહેવારોમાં રાત્રે દસથી સવારના છ વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર જે મનાઈ ફરમાવવામાં આવી છે એ યથાવત રહેશે, તેમ સૂત્રો દ્વારા માહિતી મળી છે. સુપ્રીમ કોર્ટે અગાઉ કહ્યું હતું કે ” દેશમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરી શકાય નહીં” અગાઉ સુપ્રીમ કોર્ટમાં 2018ની સાલમાં ફટાકડાનાં ઉત્પાદન, વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ અને નિયંત્રણો માગતી થયેલી અરજી સંદર્ભે જસ્ટિસ એ. કે. સિક્રી અને જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે હુકમ કર્યો હતો કે ” દેશમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરી શકાય નહીં. તેમણે ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધની માગ ફગાવતાં આ માટેની સમયમર્યાદા નક્કી કરી હતી.” ફટાકડા અને દિવાળીને લઈને એક એસઓપી બની શકે ગુજરાત સરકાર એક એસઓપી(સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) પણ જારી કરે એવી શક્યતા છે. ફટાકડા ફોડવાનો સામૂહિક કાર્યક્રમ નહીં થઇ શકે કે જેમાં મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઇ શકે, પરંતુ લોકો પોતાના ઘરના પટાંગણમાં સુરક્ષા જળવાય એ રીતે ફટાકડા ફોડી શકશે. આ ઉપરાંત દિવાળી અને નવા વર્ષનાં સંમેલનો મર્યાદિત સંખ્યામાં લોકો આવે એ રીતે થઇ શકશે. તદુપરાંત ફટાકડાના વેચાણ માટે પોલીસ અને સ્થાનિક પ્રશાસન પાસેથી મંજૂરી ફરજિયાત રહેશે. દેશના આ રાજ્યોમાં પ્રતિબંધ યથાવત રહેશે રાજસ્થાનમાં ફટાકડાના વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ મુકાયો સૌ પહેલા રાજસ્થાન સરકારે રાજ્યમાં ફટાકડાના વેચાણ અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. બંગાળમાં કાલીપૂજા અને દિવાળીમાં ફટાકડા નહીં ફોડાય કોરોનાને કારણે રાજસ્થાન પછી પશ્ચિમ બંગાળે પણ કાલીપૂજા અને દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. મધ્યપ્રદેશ, ઓડિશા અને દિલ્હીમાં ગુરુવારે પ્રતિબંધ મુકાયો કોરોના અને વધતા પ્રદૂષણને કારણે ગુરુવારે મ.પ્ર., દિલ્હી અને ઓડિશામાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે. તેવું જાણવા મળ્યું છે.
– સૂત્રો અનુસાર