ગાંધીધામનો લારીમાં નાસ્તો પણ ડિજિટલાઇસ્ટ.

પરિવર્તન એ સંસારનો નિયમ છે ત્યારે ગાંધીધામના જુદા-જુદા વિસ્તારોમાં લારીઓ ઉપર વિવિધ પ્રકારના નાસ્તાનો નાનો વેપાર કરતા વેપારીઓએ ડિજિટલ નાણાકીય વ્યવહારની આધુનિક રીત અપનાવી છે. આ ઉપરાંત સ્માર્ટ ટેક્નોલોજીના સહારે સ્ટ્રીટ ફૂડ પણ આંગળીના ટેરવે લોકોના ઘરમાં પહોંચતું થયું છે. કોરોના વાયરસની મહામારીએ અનેક લોકોની જીવનશૈલી બદલી છે. કોરોના સંક્રમણથી બચવા માટે મહદ્અંશે લોકો પણ જાગૃત બન્યા છે. જેને કારણે લોકો લારીઓ ઉપર નાસ્તો કરતાં સહેજ ખચકાટ અનુભવતા હોય છે. તો બીજી બાજુ નાના વેપારીઓએ કોરોના સામે સલામતીની આવશ્યક માર્ગદર્શિકાનાં પાલનનો માર્ગ અપાનાવ્યો છે. વેપારીઓએ જુદી-જુદી ઓનલાઈન નાણાં સ્વીકાર એપ્લિકેશનની મદદ લીધી હતી. વેપારીવર્ગે બજારના રાજા ગ્રાહક સુધી પહોંચવા માટે ઝોમેટો તથા અન્ય એપ્લિકેશનના સહારે હોમ ડિલિવરી કરવાની સુવિધા આપીને કોરોના વચ્ચે પોતાના વેપારની ગાડીને પાટે ચડાવવાનો પ્રયાસ કર્યો છે. કચ્છના આર્થિક પાટનગર તરીકે જાણીતા ગાંધીધામ સંકુલના ગાંધી માર્કેટ, લીલાશાહ સર્કલ સહિતનાં સ્થળોએ નાસ્તાના વેપારીઓએ પોતાની લારીને ડિજિટલ બનાવી છે. લારીઓમાં ઓનલાઈન નાણાં સ્વીકાર માટે ફોન-પે એપ, ગૂગલ-પે, એપ્લિકેશનના કયુ.આર. કોડ દર્શાવતાં પાટિયાં મૂકયાં છે, જે ડિજિટલ યુગના સ્વીકારનો સંકેત આપે છે. જો આ સુવિધા ન હોય તો ગ્રાહક અન્ય જગ્યાએ જતા રહે છે, જે સરવાળે વેપારને અસર કરે છે. ગાંધીધામની મુખ્ય બજારમાં પાણીપૂરી બનાવતા કારીગરે કહ્યું હતું કે, નાની એવી રકમની ચૂકવણી કરવા તથા છુટા પૈસાની ઝંજટથી બચવા લોકો તરત ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને ફટાફટ નાણાં ચૂકવી જાય છે. જેથી સમય બચતાં ગ્રાહકો ઉપર સારું ધ્યાન આપી શકાય છે. સ્માર્ટ ફોન હવે મોટા ભાગના લોકો પાસે હોય છે, જેને કારણે દરેક બાબતો નાનકડા મોબાઈલમાં આવી ગઈ છે. આ જ વસ્તુ નાસ્તાના વેપારમાં આવી ગઈ હોવાનું એક નાસ્તાના વેપારીએ કહ્યું હતું. સ્માર્ટ ફોનધારક ગ્રાહકો શહેરની સારી રેસ્ટોરન્ટની વાનગી પોતાના નિયત સ્થળે મંગાવી સમય બચાવી રહ્યા છે. ઘરમાં આવતા મહેમાનોને મળવાનો સમય આપવા માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ છે. મોટી હોટલોને ટક્કર આપવા માટે લારી ઉપર નાસ્તાના વેપારીઓએ ઓનલાઈન માધ્યમ થકી હોમ ડિલિવરી કરવાની પ્રથામાં ઉપયોગ માં લીધી છે.

-સૂત્રો દ્વ્રારા મળતી માહિતી