અંજારના વરસામેડીમાં એલસીબી દ્વારા 14 બોટલ દારૂ પકડાયો

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ મળતું હોય છે ત્યારે અંજાર તાલુકાના વરસામેડી ગામના શાંતિધામ વિસ્તારમાં પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંધ ઘરમાં રેડ પાડીને 14 બોટલ શરાબનો જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઇ હતી અને શરાબ પકડવા નીકળેલી અંજાર પોલીસને 4 શખ્સો પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ અંગે અંજાર પોલીસ મથક દ્વારા મળતી વિગતો અનુસાર પૂર્વ કચ્છ એલસીબી દ્વારા વરસામેડીના શાંતિધામ-1 વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતો જયેશ કાનાભાઈ આહીરના બંધ ઘર પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં રૂ. 4900ના કિંમતની અલગ અલગ બ્રાન્ડની અંગ્રેજી શરાબની 14 બોટલો પકડી પાડવામાં આવી હતી. જ્યારે આરોપી હાજર મળ્યો ન હતો. તો બીજી તરફ લોકલ ક્રાઇમ બ્રાન્ચના દરોડા બાદ અંજાર પોલીસમાં દોડધામ જોવા મળી હતી અને વરસામેડી વિસ્તારમાં શરાબના ધંધાર્થીને શોધવા નીકળેલી અંજાર પોલીસને વેલ્સપન કંપની પાસેની એક હોટલ નજીકથી શંભુ ધનજીભાઈ ડાંગર, સાગર ગજાનંદ ચાવડા, દર્શન હેમરાજભાઈ કાપડી તથા જીગર લાલજીભાઈ આહીર કેફીપીણું પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી પોલીસ દ્વારા ચારેય આરોપીઓ પર ગુનાની નોંધી કરી તેમની અટકાયત કરવામાં આવી હતી.

– મળતી માહિતી