મુંબઇ ઇન્ડિયન્સ જીત સાથે પાંચમીવાર ચેમ્પિયન


આઈપીએલ-2020ની મુંબઈ ઇન્ડિયન્સની જીત સાથે સમાપ્તિ થઈ. છેલ્લા બાવન દિવસથી દુબઇ, શારજાહ તેમજ અબુધાબીના મેદાનો પર છવાયેલી અને ક્રિકેટરસિયાનું ભરપૂર મનોરંજન કરનાર ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ની 13મી સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે હાર આપીને ઇતિહાસ રચ્યો હતો . દુબઇના મેદાન પર દિલ્હીએ 20 ઓવરમાં સાત વિકેટ ખોઇને 156 રનનો સામાન્ય સ્કોર કર્યો હતો. સુકાની રોહિત શર્મા (68)ની અર્ધસદીનાં બળે પાંચમી વખત ટી-20 સંગ્રામમાં મુંબઇએ મેદાન માર્યું હતું. પરિણામે પહેલીવાર ચેમ્પિયન બનવાનું દિલ્હીનું સ્વપ્ન તૂટી ગયું હતું અને સુકાની શ્રેયસ ઐય્યર (65)ની અણનમ અર્ધસદી એળે ગઇ હતી. આજની આ મેચ સાથે કોરોનાકાળમાં રમાયેલી આઇપીએલનો અંત આવ્યો હતો. સામાન્ય લક્ષ્ય સુધી પહોંચવા માટે જીતના જુસ્સા સાથે મેદાન પર ઉતરેલા સુકાની રોહિત શર્માએ 51 દડામાં પાંચ ચોગ્ગા અને ચાર આસમાની છગ્ગા સાથે વિસ્ફોટક 68 રન ઝૂડી દેતાં કેપ્ટન ઇનિંગ રમીને ક્રિકેટરસિયાઓને ભરપૂર મનોરંજન પૂરું પાડયું હતું તો સામે છેડો સાચવવાના પ્રયાસમાં ડિ’કોકે 12 દડામાં ત્રણ ચોગ્ગા, એક છગ્ગા સાથે 20 રન કર્યા હતા પણ જામવા પહેલાં જ સ્ટોયનિસના દડામાં પંતને કેચ આપી બેઠો હતો. મહત્ત્વના મુકાબલામાં છેલ્લા દડા સુધી ક્રિઝ પર ટકી રહેલા ઇશાન કિશને માત્ર 19 દડામાં ત્રણ ચોગ્ગા, એક છગ્ગા સાથે વેગીલા 33 રન ફટકારી દેતાં જીતમાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ પહેલાં ટોસ જીતીને પ્રથમ દાવ લેનાર દિલ્હી કેપિટલ્સે શરૂઆતના ધબડકામાંથી ઉગરીને 20 ઓવરમાં 7 વિકેટે 156 રનનો લક્ષયાંક નોંધાવ્યો હતો. દિલ્હી તરફથી કેપ્ટન શ્રેયસ અય્યર (અણનમ 6પ) અને વિકેટકીપર-બેટસમેન ઋષભ પંત (પ6) દ્વારા અર્ધસદી ફટકારાઈ હતી. જયારે મુંબઇ ઇન્ડિયન્સ તરફથી ફરી એકવાર કિવિ ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટે કાતિલ બોલિંગ કરીને 30 રનમાં 3 વિકેટ લીધી હતી. ફાઇનલની નિર્ણાયક ટક્કરમાં દિલ્હીની શરૂઆત નબળી રહી હતી. મેચના પહેલા જ દડે દિલ્હીની ટીમનો હુકમનો એક્કો માર્કસ સ્ટોઇનિસ બોલ્ટનો શિકાર બનીને વિકેટ પાછળ ડિ’કોકને કેચ આપીને આઉટ થયો હતો. ઝીરોમાં પહેલી વિકેટ ગુમાવ્યાની કળ હજુ દિલ્હીને વળી ન હતી, ત્યાં ફરી બોલ્ટ ત્રાટકયો હતો અને રહાણેને બે રને આઉટ કર્યો હતો. આ પછી સિઝનની પહેલી મેચ રમી રહેલા સ્પિનર જયંત યાદવે શિખર ધવનને કલીન બોલ્ડ કરીને નિર્ણાયક વિકેટ લીધી હતી. ધવને 1પ રન કર્યાં હતા. 22 રનમાં 3 વિકેટ પડી ગયા બાદ દિલ્હીના સુકાની શ્રેયસ અય્યર અને ઋષભ પંતે મુંબઇના બોલરોનો મકકમતાથી સામનો કરીને સ્ટ્રોકફુલ બેટિંગ કરી હતી. બન્નેએ રનની ગતિ જાળવી રાખીને ચોથી વિકેટમાં 69 દડામાં 96 રનની ઝડપી ભાગીદારી કરીને દિલ્હીને ફાઇનલમાં ઉગારી લીધું હતું. પંત શાનદાર અર્ધસદી કરીને નાઇલના દડામાં આઉટ થયો હતો. તેણે 38 દડામાં 4 ચોકકા-2 છગ્ગાથી પ6 રન કર્યાં હતા. આ પછી હેટમાયર પાંચ અને અક્ષર 9 રને પાછા ફર્યાં હતા. બીજી તરફ સુકાની અય્યરે એક છેડો સાચવી રાખીને દિલ્હીને અંતે 20 ઓવરમાં 7 વિકેટે 156 રને પહોંચાડયું હતું. અય્યર પ0 દડામાં 6 ચોકકા અને 2 છગ્ગાથી કેપ્ટન ઇનિંગ રમીને 6પ રને નોટઆઉટ રહ્યો હતો. દિલ્હી આખરી પ ઓવરમાં 37 રનનો જ ઉમેરો કરી શકી હતી અને આ દરમિયાન 3 વિકેટ ગુમાવી હતી. મુંબઇ તરફથી બોલ્ટને 3, નાઇલને 2 અને યાદવને 1 વિકેટ મળી હતી. બુમરાહે ચુસ્ત બોલિંગ કરીને 4 ઓવરમાં 28 રન આપ્યા હતા, પણ વિકેટ મેળવી ન હતી. અને આ રીતે આઈપીએલની 13મી સિઝનની મુંબઈ ઈન્ડિયન્સની જીત સાથે સમાપ્તિ થઈ હતી.