2 ગાયોના મોઢાનું કેન્સર હોવાથી ઓપરેશન બાદ હવે તે સ્વસ્થ.
મનુષ્યના મોઢાની જેમ જાનવરોના મોઢામાં પણ કેન્સર થાય છે અને કેન્સરગ્રસ્ત ભાગને ઓપરેશન કરી દૂર કરી નાખવામાં આવે છે. તાજેતરમાં જીવરક્ષા ક્ષેત્રે કાર્યરત પ્રાગપુર રોડ સ્થિત ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર સંચાલિત એન્કરવાલા અહિંસાધામ મધ્યે 2 વર્ષની ગાયને પેઢાનું કેન્સર હોતાં ઓપરેશન કરી ગાયનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. આ બનાવની માહિતી એવી છે કે આજથી 6 થી 8 મહિના પહેલાં સારવાર અર્થે આવેલી ગાયના પેઢામાં કેન્સર છે તેવું નિદાન થયું હતું અને ગાય મોં ખોલી શકતી ન હતી. દવાની ખાસ અસર ન થતાં છેવટે અહિંસાધામના પશુ ચિકિત્સક હર્ષલભાઈ સોલંકીને ગાયના મોંના નીચેના જડબાના પેઢા અને દાંતને ઓપરેશન કરી દૂર કરી નાખ્યા હતા. અંદાજે પોણી કલાક ચાલેલા ઓપરેશનમાં કેન્સરગ્રસ્ત ભાગને કાપીને દૂર કરી નાખ્યો હતો અને લાંબા સમયથી ન ખૂલતાં મોંઢાને ખોલી નાખી તેને દુ:ખ માંથી મુક્ત કરી હતી. ડો. હર્ષલ દ્વ્રારા જાણવા મળ્યું હતું કે, ઓપરેશન બાદ ગાય સ્વસ્થ થઈ છે અને હવે રાબેતા મુજબ ખોરાક લઈ શકશે. જો કે તે સીમમાં ચરવા જઈ શકશે નહીં પણ અહિંસાધામ ખાતે જ પોતાનું જીવન ગુજારશે. તેમના દ્વારા જાણવા મળ્યું કે, જડબાના પેઢા અને તેની સાથે જોડાયેલા દાંતને ગાયના મોંમાંથી કાપીને દૂર કરવાનું કામ પડકારરૂપ હતું. સમગ્ર ઓપરેશન દરમ્યાન ડો. મનીષાબેન ચાવડા અને અહિંસાધામની તબીબી ટીમના સભ્યો સાથે રહ્યા હતા.પેઢાના કેન્સર જાનવરોમાં બહુ ઓછા જોવા મળે છે. કેન્સરની ગાંઠ વધતાં ગાયે ખોરાક અને પાણી લેવાનું બંધ કર્યું હતું. બાદમાં ઓપરેશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ તો મલ્ટિસ્પેશિયાલિટી વેટરનરી હોસ્પિટલના નાના-મોટા ઓપરેશનો અવાર-નવાર થતા હોય છે અને જટિલ ઓપરેશન કે તેની સારવારનો ખર્ચ પણ વધુ આવતો હોય છે. જાનવરોના ગંભીર કેસ સમગ્ર કચ્છમાંથી અહિંસાધામ મધ્યે આવે છે.
-મળતી માહિતી