નલિયામાં પારો 8.9 ડિગ્રીએ ઉતર્યો, ઠંડીનો જોર યથાવત

 અબડાસામાં છેલ્લા ત્રણેક દિવસથી ફરી વળેલું ઠંડીનું મોજું યથાવત રહેતાં જનજીવનને સીધી અસર પહોંચી છે. ગઈકાલે ઠંડીમાં અંશત: રાહત મળી હતી. 10.4 જેટલું ન્યુનતમ તાપમાન નોંધાયું હતું. આજે લઘુત્તમ પારો 1.6 ડિગ્રી જેટલો નીચે ઉતરી શનિવારે તાપમાન 8.8 ડિગ્રીએ પહોંચતાં સીઝનનો સર્વાધિક ઠંડો દિવસ અનુભવાયો હતો. મોસમની શરૂઆતમાં જ ફરીથી બીજીવાર પારો સિંગલ ડિજિટમાં આવી જતા આજે મોસમનાં સૌથી ઠંડા દિવસનો અનુભવ અબડાસાવાસીઓએ કર્યો હતો. આમેય મંદીના કારણે સવારે અને સાંજે બજારોમાં મર્યાદિત લોકો જોવા મળ્યા હતા. તેમાંય હવે શિયાળાની શરૂઆત થઈ જતાં વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીની તીવ્રતા વધુ હોવાનાં કારણે લોકોની સવાર મોડી પડે છે તેમજ બજારોમાં હાજરી પણ નહીંવત જોવા મળે છે. તો ઠેર ઠેર તાપણાંની શરૂઆત પણ થઈ ગઈ છે. વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનાં કારણે લોકો મુસાફરી કરવાનું ટાળે છે. જ્યારે સૌથી વધુ ઠંડીની માર મૂંગા પશુઓ પર પડી રહી છે. ઠંડીના કારણે તેમની રૂંવાટી કાળી પડી રહી છે તો દુધાળા પશુઓમાં થોડા ઘણાં અંશે દૂધનું પ્રમાણ પણ ઘટવા લાગ્યું છે. સવાર પડતાંની સાથે સૌ મૂંગા જાનવરો તડકામાં ઠંડી ઊડાવવા લાઈનસર કતારમાં ગોઠવાઈ જાય છે.

-હવામાન વિભાગ થી મળતી માહિતી