ધાર્મિક લાગણી દુભાવવા બદલ મહાનાયક સહિત 7 લોકો સામે ફરિયાદ
ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના બનાવમાં બિહારના સિકંદરપુર નિવાસી આચાર્ય ચંદ્રકિશોર પરાશરે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં અભિનેતા અમિતાભ બચ્ચન, એક ટીવી ક્વિઝ શોના ડાયરેક્ટર અરુણેશ કુમાર, રાહુલ વર્મા, ટીવી ચેનલના પ્રમુખ મનજીતસિંહ, સીઈઓ એનપી સિંહ તેમજ સ્પર્ધક વિલ્સન સહિત સાત લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ પર આગલી સુનાવણી 3 ડિસેમ્બરે કરવામાં આવશે.પ્રાપ્ત થતી માહિતી અનુસાર વિગત એમ હતી કે શો દરમિયાન સ્પર્ધકને ધર્મશાસ્ત્ર સંબંધિત એક સવાલ પૂછવામાં આવ્યો હતો. સવાલ અને વિકલ્પમાં અપાયેલા ઉત્તર વાંધાજનક હતા જેના કારણે નાગરિકોની ધાર્મિક લાગણી દુભાઈ છે.દરમિયાન અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતના કાવતરાના આરોપમાં દાખલ થયેલા કેસ અંતર્ગત ગુરૂવારે કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપી ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી, એકતા કપૂર, ભૂષણ કુમાર તેમજ સાજિદ નડિયાદવાલાના વકીલ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. ભણસાલી દ્વારા વકીલ સરોજ કુમાર અને બાકીના ત્રણેય ફિલ્મ નિર્માતાઓ તરફથી પ્રિયરંજન ઉર્ફે અન્નુ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. સંજયલીલા ભણસાલી તરફથી પહેલી વખત તેમના વકીલ હાજર રહ્યા હતા. કોર્ટે આગલી સુનાવણી માટે 9 ડિસેમ્બરની તારીખ નિર્ધારિત કરી છે. આ પહેલાં ગેરહાજર રહેવા બદલ ફિલ્મ નિમાર્તાઓને નોટિસ ફટકારાઈ હતી. ગત 14 ઓગસ્ટે વકીલ સુધીરકુમાર ઓઝાએ સલમાન ખાન સહિત આઠ ફિલ્મી હસ્તીઓ વિરુદ્ધ જિલ્લા તેમજ સેશન્સ કોર્ટમાં પુન:વિચાર અરજી દાખલ કરી હતી.
-મળતી માહિતી