કોરોના મહામારીનાં સમયમાં વાગડમાં દૂરગામી અસરો.
કોરોના મહામારીની અસરો ભૂકંપની જેમ ઘણા સમય સુધી રહેશે. ત્યારે જ્યાં ઘરની મુખ્ય કમાનાર વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવવાથી સારવાર દરમ્યાન કોઇનું મૃત્યુ નીપજે ત્યારે આર્થિક, સામાજિક મુશ્કેલીનું સર્જન થાય છે. ઘણા પરિવારો આની ભૂકંપની સાથે તુલના કરે છે. વહીવટી તંત્ર, કંપની, કારખાના સંચાલકો, ગત ચોમાસે આવકમાં નિરાશ થયેલો ખેડૂત વર્ગ શિયાળુ પાક, પાણીની સુધરેલી સ્થિતિ, કચ્છ નર્મદા નહેરના સહારે ઇસબગુલ, ઘઉં વગેરે જેવા પાકની ઘણી આવક મેળવવા કમર કસી રહ્યા છે. દસ્તાવેજ જમીન-લે-વેચનું પ્રમાણ 25% ઘટયું છે. ભચાઉ તાલુકાની વાત કરીએ તો મુંબઇ થી પણ દીકરા ટહૂકો કરે છે – બાપા, ધંધાના કોઈ ઠેકાણા નથી. ખેતીમાં ધ્યાન આપો, કુદરત અને વાતાવરણ આ બાબતને સાર્થક કરતું હોય તેમ વિક્રમી ઉત્પાદન વાગડ વિસ્તારમાં ઘઉં, જીરૂં, ઇસબગુલ, એરંડાનું છે એવું મદદનીશ ખેતી નિયામક એન.બી. નાયક દ્વારા જાણવા મળ્યું હતું. કમોસમી વરસાદ કે અન્ય તકલીફ ન આવે તો આવતો શિયાળુ પાક, સારો વરસાદ, ભરાયેલા ડેમ, તળાવ અને જમીનનાં તળ ઊંચા આવતાં પાણીમાં ઘણો સારો સુધારો થયો છે. સારી ઠંડી પ્રારંભથી ફાયદાકારક થશે. ખડીર વિસ્તારમાં જીરુંનું ઘણું વાવેતર થવાનું છે. ખેડૂતો બમણા વેગથી કામ કરી રહ્યા છે. વાવેતર પૂર્વે ઢેળ, ડોળ જેવી જીવાતથી બચવા કામ ચાલી રહ્યા છે. આરોગ્ય તંત્ર-કંપનીઓ સતર્ક વર્તમાન કોરોના મહામારીમાં શ્રમ ઉત્પાદનને પગલે કંપની, કારખાનામાં કામ કરતા કામદારોની આરોગ્ય સંબંધી સંભાળ રાખવી એ કઠિન કામ છે. કારખાનાની નજીક કાચી-પાકી ઓરડીઓમાં એક સાથે રહેતા પાંચ-સાત મજૂરો, ભઠ્ઠી નજીક કામ દરમ્યાન હેલમેટ અને માસ્ક ગરમ ભઠ્ઠીમાં પહેરવા પડે છે. આ પરિસ્થિતીમાં સામાજિક અંતર કેમ રાખવું એ મુશ્કેલ છે. આરતી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા ત્રણ સિફટના એકાદ હજાર કામદારો માટે એમ.બી.બી.એસ. ડોકટર મોટી પૂર્ણકાલીન સેવાઓ આપી રહ્યા છે. એચ.આર. ડિપાર્ટમેન્ટ સાવચેત રહે છે. કંપનીમાંથી બહાર જતાં નવા માસ્ક અપાય છે. કારખાના કે ઠેકેદારના કર્મચારીને શારીરિક તકલીફ જણાય તો આરામ કરવા માટે તપાસ કરાવી લેવાની સુવિધા અપાતી હોવાનું કંપનીના એચ.આર. વડા યાદવ દ્વારા જાણવા મળ્યું હતું. સેનિટાઇઝ, સોશિયલ ડિસ્ટન્સ સાથે દરેકના આરોગ્ય માટે સાવચેતી સાથે કામ લેવાય છે. હાલમાં એક પણ કર્મચારીને કોરોના સંબંધી બીમારી નથી એવું પાલુભાઇ ગઢવી દ્વારા જાણવા મળ્યું હતું. ભચાઉ મથક કચ્છનું પ્રવેશદ્વાર છે. મુંબઇ, સુરત અને સૂરજબારીથી વરસાણા સુધી કામ કરતા ભારતભરનાં કામદારો માટે ભચાઉ-ગામડા મુખ્ય મથક સમાન છે. ખરીદી, આરોગ્ય વગેરે માટે ભચાઉ આવવું પડે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સાત પી.એચ.સી. અને ધનવંતરિ રથ દ્વારા રેપિડ ટેસ્ટ કરાઇ રહ્યા છે. 80 % પોઝિટિવ વ્યક્તિને દવાખાને દાખલ થવાની જરૂર પડતી નથી. ઘરે પોઝિટિવ દર્દીની નિયમિત તપાસ-સંપર્ક-દવા અપાય છે. આંકડા ભલે જાહેર થતા ન હોય, પરંતુ 8-10 જગ્યાએ થતા પરીક્ષણમાં દરરોજ 5 થી 15 પોઝિટિવ હોય છે. ડર પણ એક મોટી મહામારી છે. એવી વાત સ્વીકારીએ તો સાવચેતી માટે પૂરતા સંસાધનો, સ્ટાફ છે. સાત મેડિકલ ઓફિસર, 48 ફીમેલ હેલ્થ વર્કર, 40 મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર, સાત પી.એચ.સી.ના ડોકટર, પાંચ ટેકનિશિયન, સાત મેલ સુપર વાઈઝર, પાંચ ફીમેલ સુપર વાઇઝર, સાત આર.બી.એસ. ડોકટર છે. સમયસર ઓનલાઇન મિટિંગ, ડેઇલી રિપોર્ટિંગ થાય છે. બ્લોક હેલ્થ ઓફિસને પી.એચ.સી. સબ સેકટર અને ત્યાંથી જિલ્લામાં માહિતી પહોંચે છે. ઘરે ઘરે મુલાકાત કરી સરકારનું વહીવટી તંત્ર સંપૂર્ણ સાવચેત-સાવધાન રહે છે. આ કાર્યમાં આશા વર્કરોનું યોગદાન પણ મોટું છે. વેપાર-કારોબાર અમુક ધંધા વ્યવસાય તો ઠપ જેવા થઇ ગયા છે. વર્તમાન લગ્નગાળામાં મંડપ, ફોટેગ્રાફી, ડેકોરેશનને ટેકો મળ્યો છે. આ સાથે વર્ષ 2020થી 2021 એટલે એપ્રિલથી નવેમ્બર સુધી 1500 પ્લોટ, મકાન, ખેતીવાડી જમીનના દસ્તાવેજ થયા છે. 94 ગીરોનાં દસ્તાવેજ થયા છે.
-મળતી માહિતી