નલિયામાં પારો ઊતર્યો , વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો અનુભૂતિ.
થોડા દિવસથી નલિયામાં ઠંડીનો પારો સહેજ ઉંચકાયો હતો જે ગઇકાલે પાછો એકસામટો પાંચેક ડિગ્રી ગગડી 10.4 પહોંચ્યો હતો. ત્યાં આજે ફરી પાછો દોઢેક ડિગ્રી જેટલો વધુ નીચે ઉતરી ફરી સિંગલ ડિજિટ 8.8 ડિગ્રીએ અટક્યો છે. ઠંડીનો પારો ઉંચકાયો જરૂર હતો. પરંતુ ઉત્તર બાજુથી ફૂકતા ઠંડા પવનના કારણે ઠારનો અહેસાસ પહેલાંથી પણ વધુ અનુભવાયો હતો. વધુ ઠંડી માટે કાયમ જાણીતા એવા અબડાસામાં ચાલુ વરસે પણ ઠંડીનો સિલસિલો જારી રહ્યો છે. ક્યારેક પારો સહેજ ઉંચકાય તો ક્યારેક પાછો ગગડી જાય. આ વાત થઇ હવામાન ખાતાની પણ વાસ્તવિકતા એવી છે કે, ડિગ્રી ગમે તેટલી નોંધાય પરંતુ વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીએ નલિયામાં પોતાનો દોર ચાલુ જ રાખ્યો છે. ઠારના કારણે સવાર અને સાંજે લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળે છે અને જો બહાર નીકળવું જ પડે તેમ હોય તો ઊની વત્રોમાં વીંટળાયેલા જોવા મળે છે. તેમજ સ્વયંભૂ કફર્યુ લાગી ગયો હોય તેવું લાગી રહ્યું છે. ઠંડીના કારણે તાવ, ઉધરસ, શરદી, સાંધાનો દુ:ખાવો વગેરે બીમારીઓએ થાય છે. ગરમ પીણા, વસાણા અને વત્રોની બજારમાં સારી એવી ગરમી આવી ગઇ છે. ઠંડીની સૌથી વધુ તીવ્રતા કાંઠાળ વિસ્તારના ગામોમાં અનુભૂતિ થાય છે, તો ઉત્તર બાજુના ગામડાંઓ પણ ઠંડીથી થરથર કાંપી રહ્યા છે. ઘઉંના પાક માટે ઠંડી એ અનુકૂળ સિઝન કહેવાય છે. આથી ઘઉંનું વાવેતર કરનાર ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આ તરફ કંડલા (એ)માં 13.4, ભુજમાં 13.8 અને કંડલા પોર્ટમાં 16.6 ડિગ્રીએ ઠંડી અનુભવાઇ હતી. મહત્તમ પારો ઉંચકાતા દિવસે હૂંફાળો માહોલ અનુભવાયા બાદ સાંજે ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
-મળતી માહિતી