કચ્છઃ PM મોદીએ ડિસેલિનેશન પ્લાન્ટ સહિત ત્રણ પ્રોજેક્ટોનો કર્યો ડિજિટલ શિલાન્યાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસીય કચ્છની મુલાકાતે છે. અહીં તેમણે ડિસેલિનેશન પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી પાર્ક અને સ્વચાલિત દૂધ પ્રોસેસિંગ અને પેકિંગ પ્લાન્ટ પ્રોજેક્ટનો ડિજિટલ શિલાન્યાસ કર્યો હતો.
ભુજ એરપોર્ટ પર PM મોદીનું સ્વાગત
પીએમ નરેન્દ્ર મોદી બપોરે દોઢ વાગ્યાની આસપાસ દિલ્હીથી ભુજ એરપોર્ટ પહોંચ્યા હતા. ભુજ એરફોર્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ, એર કોમોડોર મલુક સિંઘ (વી.એસ.એમ.) અને ડી.જી.પી. આશિષ ભાટિયાએ સ્વાગત કર્યું હતું.
પીએમ મોદી ભુજ એરપોર્ટથી હેલિકોપ્ટરમાં ધોરડો પહોંચ્યા હતા. ભુજ એરફોર્સથી ધોરડો હેલિપેડ ખાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત મંત્રીમંડળે સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ ટેન્ટ સિટી ખાતે પહોંચ્યા હતા.