મંડળીની ઉચાપત: સૂત્રધાર સંજયે બીટકોઈનમાં નાણા ગુમાવ્યાની શંકા

રાજકોટમાં કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ પાસે આવેલા શ્રીમદ ભવનમાં બીજા માળે ઓફીસ રાખી ડેઇલી બચત સ્કીમના નામે નાણાં ઉઘરાવી શ્રી રામેશ્વર સહકારી શરાફી મંડળીના સંચાલકો 4200 થાપણદારોના 60 કરોડની ઓળવી પલાયન થઈ ગયા હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધવવમાં આવી હતી.આ કૌભાંડમાં પોલીસે મંડળીના વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણી અને મેનેજર વિપુલ વસોયાને ઝડપી લીધા છે.પોલીસ તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે,કૌભાંડના સૂત્રધાર અને મંડળીના ચેરમેન સંજય દુધાગરાએ બીટ કોઈનમાં નાણાં રોક્યા બાદ તેમાં પૈસાનું ધોવાણ થતા તે ફુલેકુ ફેરવી નાસી ગયાની પ્રબળ આશંકા છે.પોલીસ દ્વારા પોલીસ સંજયને સંકજામાં લઈ લેવામાં આવ્યો છે.ત્યારે પોલીસ આ મુદ્દે પણ ધનિષ્ઠ તપાસ ચલાવશે.
બીજી તરફ આ મામલો સામે આવ્યા બાદ ભક્તિનગર પોલીસ મથકે ભોગબનનાર સભાસદોની કતારો લાગી છે. અત્યાર સુધીમાં 103 સભાસદો પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા છે. અને ઠગાઈનો આંકડો 8.11 કરોડ સુધી પહોંચી ગયો છે.
જાણવા મળતી વિગતો મુજબ,દેવપરામાં રહેતા અને મેડિકલ સ્ટોર ધરાવતાં સંજયભાઇ જયંતીભાઇ સોજીત્રા (ઉ.વ.41)એ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેન સંજય હંસરાજ દુધાગરા, વાઇસ ચેરમેન ગોપાલ લક્ષમણભાઈ રૈયાણી અને મેનેજર વિપુલ રતિ વસોયાના નામ આપ્યા હતા. સંજયભાઇએ ફરિયાદમાં જણાવેલી હકીકત મુજબ, વર્ષ 2011માં તેમના પિતા જયંતીભાઇએ 11 લાખ ફિક્સ ડિપોઝિટ પેટે મંડળીમાં રોક્યા હતા. અને સંજય દુધાગરાએ વાર્ષિક 12 ટકા વ્યાજની ખાતરી આપી હતી.નાણાં મુક્યા બાદ પાકતી મુદતે વ્યાજ સહિતની રકમની નવી રસીદ સંજય દુધાગરા બનાવી આપતો હતો.
દરમિયાન વર્ષ 2014માં જયંતીભાઇનું નિધન થતાં તેમણે હાથઉછીના આપેલા રૂ.18 લાખ આવ્યા હતા તે રકમ પણ સંજયભાઇએ પરિવારના સભ્યોના અલગ અલગ નામે મંડળીમાં ફિક્સ ડિપોઝિટ પેટે રાખ્યા હતા.ફરિયાદીએ નાણાં બચતમાં મુક્યા બાદ હાલ સુધીમાં ક્યારેય મંડળીમાંથી રકમ ઉપાડી નહોતી. જૂન 2020માં પાકતી મુદતે સંજયભાઇ રકમ ઉપાડવા ગયા હતા.ત્યારે નાણાં આપવાના બદલે બહાના બતાવી તેમને રવાના કયર્િ હતા. અને ત્યારબાદ મંડળીને તાળાં મારી સંચાલકો પલાયન થઈ ગયા હતા.
મેડિકલ સ્ટોરના સંચાલક સંજયભાઇ સોજીત્રા અને તેના પરિવારના સભ્યોની રકમ મળી રૂ. 3,11,89,900 તેમજ અન્ય રોકાણકારો અને મંડળીના 4200 સભ્યો સહિત કુલ રૂ.60 કરોડની છેતરપિંડી આચરી સંચાલકો રફુચક્કર થઇ ગયા હતા.
સંજયભાઇ સોજીત્રાની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાત, કાવતરું રચવું સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.આ મામલે ભક્તિનગર પોલીસ મથકના પી.આઈ જે.ડી.ઝાલાની રાહબરીમાં પી.એસ.આઈ જે.બી.પટેલ તથા રાઈટર નિલેશભાઈ મકવાણા તથા સ્ટાફે આ કૌભાંડમાં મંડળીના વાઇસ ચેરમેન પાલ લક્ષમણભાઈ રૈયાણી(ઉ.વ 74)(રહે.ખોડિયાર સોસાયટી મેઈન રોડ નંદાહોલ પાછળ રાજકોટ) અને મેનેજર
વિપુલ રતિ વસોયાના(ઉ.વ 34)(રહે.મહેશ્વરી સોસાયટી 40 ફૂટ રોડ દેવપરા પાછળ રાજકોટ) ને ઝડપી લીધા હતા.તેમજ મુખ્ય સૂત્રધાર સંજયને પણ સંકજમાં લઇ લીધો હતો.
પોલીસની તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે,સમગ્ર સંજય હંસરાજે બીટકોઈનમાં નાણાં રોક્યા હોઈ અને તેમાં ખોટ આવતા તે પાકતી મુદતે રોકાણકારોને નાણાં ન ચૂકવી શકતા તેના નાણાં ચાઉં કરી ગયો હોવાની પ્રાથમિક વિગતો સાપડી છે.પોલીસ આ દિશામાં પણ ધનિષ્ઠ તપાસ કરશે.
વાઇસ ચેરમેન રૈયાણી અગાઉ પણ મંડળી ચલાવતા તેના વિશ્ર્વાસે નાણા મુક્યા હતા
60 કરોડની ઉચાપત પ્રકરણમાં પોલીસ તપાસમાં એવી વિગત સામે આવી હતી કે મંડળીના વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણી અગાઉ પણ એક મંડળી ચલાવતા હતા જેથી કરીને આ મંડળીમાં નાણાં રોકનાર ગોપાલ રાણીના વિશ્વાસે શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીમાં નાણા રોક્યા હતા ચેરમેન સંજય વાઇસ ચેરમેનને ચાર ટકા કમિશન આપતો હોવાનું માલુમ પડ્યું છે.
લોન લઈ પૈસા ન ચૂકવનાર સભાસદો સામે પણ ગુનો નોંધાશે
રામેશ્વર શરાફી સહકારી મંડળી માંથી લોન લેનાર સભાસદો દ્વારા આ લોનની રકમ ની ભરતભાઈ નહીં કરવામાં આવી હોય, તેવા સભાસદો સામે પણ પોલીસ દ્વારા ગુનો નોંધવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેવું તપાસનીસ પોલીસ અધિકારી પી.આઈ જે.ડી ઝાલાએ જણાવ્યું હતું.
વાર્ષિક 12 ટકા વ્યાજ ચૂકવતા પણ પાછલા બારણે વધુ વ્યાજની લાલચ
શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીમાં નાણાં મૂકનાર સભાસદોને વાર્ષિક 12 ટકા વ્યાજ ચૂકવવામાં આવતું હતું, પરંતુ મંડળીના ચેરમેન સંજય દુધાગરા દ્વારા પાછલા બારણે કેટલાક સભાસદોને વધુ વ્યાજની લાલચ આપવામાં આવતી હતી. અને આ લાલચમાં કેટલાક સભાસદોએ નાણાં રોક્યા હોવાનું જાણવા મળ્યું છે.