ભચાઉ નજીક ભૂકંપનો ૩.૨ની તીવ્રતાનો આંચકો અનુભવાતાં ચિંતા

કચ્છ (Kutch) માં આવેલા વિનાશક ભૂકંપ (Earthquake) ને ૧૯ વર્ષ પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભચાઉ (Bhachau) પાસે ૩.૨ની તીવ્રતાનો આંચકો (Intensity of Earthquake) આવતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. કચ્છમાં વિનાશક ભૂકંપની વરસી નજીક આવી રહી છે, ત્યારે આંચકાઓનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે.
જ્યારે જ્યારે આંચકા આવે છે ત્યારે કચ્છીઓના માનસપટ પર ૧૯ વર્ષ પહેલાની યાદો ફરી તાજી થઇ જાય છે. માત્ર પાંચ જ મિનિટમાં ભવ્ય ઇમારતો પત્તાના મહેલની માફક ઢગલો થઇને પડી ગઇ હતી. તો વળી, ક્યાંક પોતાના સ્વજનોને ગુમાવ્યાનો રૂદન સાથેનો અફસોસ પણ જોવા મળતો હતો.
ગાંધીનગર (Gandhinagar) સ્થિત સિસ્મોલોજી કચેરીમાંથી (Institute of Seismological Research) પ્રાપ્ત વિગતો પ્રમાણે ભચાઉથી ૧૦ કિમી દૂર ભૂગર્ભમાં ૧૫.૯ કિમી ઉંડાઇ ધરાવતા કેન્દ્રબિંદુ પર રિક્ટર સ્કેલ ઉપર ૩.૨ની તીવ્રતાનો આંચકો રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં અનુભવાયો હતો. વાગડ ફોલ્ટલાઇન (Vagad Fault-line) સક્રિય બનતાં નાના-મોટાં આંચકા સમયાંતરે આવતા રહે છે.
છેલ્લા બે દાયકા દરમિયાન કચ્છમાં ભૂકંપના નાના-મોટા સંખ્યાબંધ આંચકાઓ આવી ગયા છે. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે જગ્યાએ આંચકાઓ આવે છે તે સ્થળના ભૂગર્ભની ઊંડાણપૂર્વક તપાસ પણ કરાતી હોય છે પરંતું કયા કારણોથી ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે તેની સ્પષ્ટતા થઇ શકી નથી.૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપમાં જાનમાલને મોટું નુકસાન થયું હતું. સદ્નસિબે ત્યારપછીથી લઇને અત્યાર સુધીમાં આવેલા ભૂકંપ દરમિયાન આવી કોઇ નુકસાની થઇ નથી.