ડીસા તાલુકામાં ખેતરમાંથી રૂ.40.71 લાખના ગાંજાના 6344 છોડ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

બનાસકાંઠા એસઓજી પોલીસે ડીસા તાલુકાના ઉગમણા વાસે આવેલા ખેતરમાં ઉગાડેલા ગાંજાના છોડ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા તેમજ બે શખ્સો હાજર મળ્યા ન હોવાથી પોલીસે ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોધી વધુ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.

ડીસા તાલુકાના રાણપુર ઉગમણાવાસ ખાતે આવેલા ખેતરના સેઢા પર પાંચ શખ્સો દ્વારા કેફી ઐષધી ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવતું હોવાની એસઓજી પોલીસને બાતમી મળી હતી. જેથી જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલની સૂચનાથી એસઓજી પી.આઇ. ડી.આર.ગઢવીએ સ્ટાફના પીએસઆઇ એમ.કે.ઝાલા, એએસઓ સાયબાભાઇ, સિકંદરખાન, વિનોદભાઇ, વનરાજસિંહ સહિતના સ્ટાફ સાથે ડીસા તાલુકાના રાણપુર ઉગમણા વાસ ખાતે બાતમી વાળા ખેતરમાં રેડ કરી હતી.

જેમાં ખેતરના સેઢા પર ગેરકાયદેસર રીતે માંદક પદાર્થ ગાંજાના છોડવાનું વાવેતર કરેલ હોવાનું બહાર આવ્યુ હતુ. જેથી પોલીસે ગાંજાના છોડ નંગ 6344 જેનું વજન 407.16 કિલોગ્રામ કિંમત રૂ.40,82,100 કબજે લેવામાં આવ્યો હતો.તેમજ ઝડપાયેલા ત્રણ શખ્સો પાસેથી મોબાઇલ નંગ-2 કિંમત રૂ.10,500 આમ કુલ મળી રૂ.40,82,100નો મુદ્દામાલ કબજે કરી બનાસકાંઠા એસઓજી પોલીસ દ્વારા ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સો સામે એનડીપીએસ હેઠળ પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હાજર ન મળેલા વધુ બે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

કોની અટકાયત કરાઇ : 1.અજયભાઇ ઇશ્વરભાઇ રબારી રહે.રાણપુર ઉગમણાવાસ સીમ હનુમાન મંદિર જવાના રસ્તે, ડીસા 2. દિનેશસિંગ માણેકસિંગ ઠાકોર ગામ.બુરલ તા.ડીસા હાલ રહે.રાણપુર ઉગમણાવાસ તા.ડીસા 3.લક્ષ્‍મણજી બાબુજી વાઘેલા રહે.મુળ રહે.ઠાકોરવાસ ભડથ,હાલ રહે.રાણપુર ઉગમણાવાસ તા.ડીસા

કોણ હાજર મળેલ નથી : 1.મનુભાઇ ઉર્ફે હર્ષદભાઇ ચમનભાઇ મેવાડા(સુથાર) રહે.રાણપુર ઉગમણાવાસ તા.ડીસા 2.મેહુલભાઇ સોમાભાઇ મેવાડા(સુથાર) રહે.રાણપુર ઉગમણાવાસ તા.ડીસા