નર્મદા એલસીબીનો સપાટો :મહારાષ્ટ્રમાંથી ગુજરાતમા લવાતો 30 લાખનો દારૂ ઝડપ્યો
ર્મદા જિલ્લા એલસીબીને મોટી સફળતા મળી છે ,મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે લવાતા 30 લાખના વિદેશી દારૂના જથ્થાને બાતમીને આધારે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. નર્મદા એલસીબીએ 2 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2ને વોન્ટેડ જાહેર કર્યા છે. આ વિદેશી દારૂનો જથ્થો ટ્રકમાં પાછળ સેવિંગ જેલના પેકીંગના ખોખામાં મૂકી ઉપર તાળપતરી બાંધી નંદુરબાર મહારાષ્ટ્રના માર્ગે વાયા નર્મદા થઈ અમદાવાદ લઈ જવાતો હતો. નર્મદા એલસીબી એ ગુજરાતમાં મોટાપાયે વિદેશી દારૂ ઘુસાડવાનું ષડ્યંત્ર ઝડપી પાડ્યુ છે.
મહારાષ્ટ્રમાંથી નર્મદા જિલ્લામાં વિદેશી દારૂનો જથ્થા સાથે ટ્રક પસાર થવાની હોવાની પાક્કી બાતમી નર્મદા એલસીબી ને મળી હતી. ગુજરાતના અમદાવાદમાં મહારાષ્ટ્ર થઈ વાયા નર્મદામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઘૂસાડવાનું બુટલેગરોને ભારે પડ્યું હતું. નર્મદા એલસીબી પીઆઈ એ.એમ.પટેલ સહિતના પોલીસ સ્ટાફે 2 દિવસ સુધી જિલ્લાની ધનસેરા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી. દરમિયાન ટ્રક નંબર પીબી 11 એજી 8969 નંબરની ટ્રક શંકાસ્પદ હાલતમાં ધનશેરા ચેકપોસ્ટ પર આવી પહોંચતા પોલીસ ટીમોએ ટ્રક રોકી પૂછતાછ હાથ ધરી હતી, ડ્રાયવર અને ક્લીનરે પોલીસને યોગ્ય જવાબ ન આપતા ટ્રકની તપાસ હાથ ધરતા એમાંથી 20,808 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
નર્મદા એલસીબીને આ વિદેશી દારૂનો જથ્થો દમણથી અમદાવાદ તરફ જતો હોવાની માહિતી મળી હતી. બાદ એલસીબીએ ટ્રક ડ્રાયવર પંજાબ જલંધરના રાકેશ અજિત રામ હિર તથા પંજાબ શાર્દુલ ગઢના ક્લીનર રણજીતરામ શતપાલરામની ધરપકડ કરી 29,64,080 રૂપિયાનો વિદેશી દારૂ અને 7 લાખની ટ્રક મળી કુલ 36,64,080 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી બાજુ આ વિદેશી દારૂ જ્યાં સપ્લાય થવાનો હતો એવા કુલદિપસિંગ અર્જુનસિંગ સોની રહે.સિરસા હરિયાણા તથા દમણના રમેશ પટેલ ઉર્ફે માઈકલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે