બોટાદ જિલ્લાના બાગાયત ખેડૂતો સરકારની સહાયલક્ષી યોજનાનો લાભ લેવા ૧૫ મે-૨૧ સુધી આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે
નાયબ બાગાયત નિયામક, બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે કે જિલ્લાના તમામ બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાણાકિય વર્ષ ૨૦૨૧-૨૨ માટે બાગાયત ખાતા દ્વારા અમલમાં આવતી વિવિધ યોજનાઓ જેવી કે ફળપાક વાવેતર, સરગવાની ખેતી, પપૈયા, કેળ (ટિસ્યુ), ખારેક ટિસ્યુ, હાઇબ્રીડ બિયારણ, ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતર, કાચા-અર્ધપાકા-પાકા ટેકા મંડપ, કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ, પેકીંગ મટીરીયલ, ઔષધિય પાકો, અન્ય સુગંધિત પાકો, ફુલ પાકો, મસાલા પાકો, પ્લાસ્ટિક આવરણ (મલ્ચિંગ), ટ્રેક્ટર, ટ્રેક્ટર માઉંટેડ સ્પેયર, પાવર ટિલર, સ્વયંમ સંચાલિત બાગાયતી મશીનરી, ડુંગળી માટે મેડા ૨૫ મે.ટન સુધી, પેક હાઉસ (૯ x ૬ મી.) તેમજ અન્ય વિવિધ બાગાયતી યોજનાઓમાં સામાન્ય તેમજ અનુ. જાતિના ખેડુતભાઇઓને સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે.
આ યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તેવા બાગાયતદારોએ આઇ-ખેડુત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in)માં મોબાઇલ, ઇ-ધરા કેન્દ્ર, ગ્રામ પંચાયત કે સાઇબર કાફેમાંથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ પોતાની સહી કે અંગુઠાનું નિશાન કરી જરૂરી સાધનિક કાગળો સાથે સમય મર્યાદામાં નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે રજુ કરવાની રહેશે. સામાન્ય રીતે, ખેડુતભાઇઓ અરજી કર્યા બાદ પ્રિન્ટ કચેરીમાં જમા કરાવતા ન હોવાથી અરજી નામંજુર કે સહાય મેળવવામાં વિલંબ થતો હોય છે. જેની નોંધ લેવી.
ઓનલાઇન અરજી કરવા માટે આ વેબપોર્ટલ તા.૧૫/૦૫/૨૦૨૧ સુધી શરૂ કરવામાં આવેલ હોય જિલ્લાના ખેડુત ભાઇઓએ જે ઘટકમાં સહાય લેવી હોય તેવી એક કે વધુ યોજનામાં ઓનલાઇન અરજી કરી શકાશે તેમ વધુમાં જણાવાયું છે.