બોટાદ જિલ્લામાં ૪૫ વર્ષથી વધુ વયના કુલ ૪૨૪૪૩ થી વધુ લોકોને રસી અપાઈ

        બોટાદ જિલ્લામાં નાગરીકોને કોરોના વાયરસ સામે રક્ષણ આપવા માટે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ચાલી રહેલા રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં જિલ્લાના ૪૨૪૪૩ નાગરીકોને રસીકરણ કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર COVID -19 રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહેલી છે. બોટાદ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના જણાવ્યા અનુસાર જિલ્લામાં ૪૫ વર્ષથી વધુ વય ધરાવતા કુલ ૪૨૪૪૩ નાગરીકોને રસી આપી કોરોના મહામારી સામે રક્ષીત કરાયા છે.

         જિલ્લામાં કરાયેલ કોવિડ -૧૯ રસીકરણની કામગીરી જોઈએ તો બોટાદ તાલુકામાં ૧૬૫૬૦, ગઢડા તાલુકામાં ૧૫૯૩૦, બરવાળા તાલુકામાં ૪૭૩૮ અને રાણપુર તાલુકામાં ૫૨૧૫ મળીને કુલ ૪૨૪૪૩ લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી આપવામાં આવેલ છે.

                હાલમાં જિલ્લામાં કોવિડ-૧૯ નાં પોઝિટીવ કેસમાં વધારો થવાને લીધે જિલ્લાળની તમામ જાહેર જનતાને આગામી દિવસોમાં કોરોના મહામારીનાં સંક્રમણથી બચવા માટે તારીખ-૧૧/૦૪/૨૦૨૧ થી તારીખ- ૧૪/૦૪/૨૦૨૧ સુધી સરકાર દ્વારા વિશેષ રૂપે શરૂ કરવામાં આવેલ ભારતના સૌથી મોટા જુંબેશના રૂપમાં રસીકરણ મહોત્સવમાં ૪૫ વર્ષથી વધુ ઉંમરનાં તમામ વ્યક્તિઓ કોવિડ-૧૯ રસીકરણનો વધુમાં વધુ લાભ લે તે અત્યંત જરૂરી છે. વધુમાં રસીકરણ અંગેની ખોટી માન્યતાઓ/અફવાઓ સોશિયલ મિડિયા દ્વારા ફેલાતી હોઈ તો ગેરમાર્ગે દોરાયા વગર રસીકરણનો મહતમ લાભ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવેલ છે.

                કોરોના મહામારીની વિપરીત પરિસ્થિતિને નિયંત્રિત કરવા ભારત સરકારશ્રી દ્વારા વેક્સીનેશન અંગે લોકજાગૃતિ આવે તે માટે રાષ્ટ્રવ્યાપી “ટીકા મહોત્સવ”નો તા:- ૧૧/૦૪/૨૦૨૧નાં રોજ પ્રારંભ કરવામાં આવેલ છે. જે મુજબ કોરોના મહામારીની બીજી લહેર ઘાતક બનીને આગળ વધી રહી છે ત્યારે સંક્રમણની આ ચેઈન તોડવા માટે સરકારશ્રી દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં કોરોના પ્રતિરોધક રસીકરણ કોરોનાને મ્હાત આપવા માટે ખૂબ જ મહત્વનું પગથીયું ગણાય છે. તો આપણે સૌ સાથે મળીને આ મહોત્સવનો લાભ ઉઠાવી કોરોનાને મ્હાત આપી અને આ કાર્યક્રમમાં ખાસ કરીને ઓછું ભણેલા, બુજર્ગ રસીકરણ કેન્દ્ર પર સહેલાઇથી ન પહોંચી શકે તેવા વ્યક્તિઓને સહકાર આપી સંપૂર્ણ રસીકરણ કરાવવા વધુમાં જણાવાયું છે.