દાહોદની કોરોના હેલ્પલાઇન નંબર ઉપર રાઉન્ડ ધ કલોક લોકોને કરાઇ રહી છે મદદ

કોરોનાની ઝંઝાવાતી બીજી લહેરમાં એક સાથે કોવીડ કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો. દાહોદ જિલ્લામાં કોરોના બાબતે નાગરિકોની સમસ્યાઓના ત્વરિત નિકાલ લાવવા માટે ૧૦ એપ્રીલથી કમાડં એન્ડ કંટ્રોલ રૂમ એન્ડ ગ્રીવન્સીસ રીડ્રેસ સેલ કલેક્ટર શ્રી વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યો. આ સેલમાં કામ કરતાં ૧૦ જેટલા કર્મચારીઓ તેમના નોડલ અધિકારી ડો. નિરજ તિવારી સાથે રાઉન્ડ ધ કલોક લોકોની સમસ્યા ઉકેલી રહ્યાં છે. આ સેન્ટરની હેલ્પલાઇન નંબર ઉપર નાગરિકોના મદદ માટે ફોન આવતા હોય છે તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે છે. જરૂર જણાય તો અહીંની એક ડોક્ટર સાથેની એમ્બ્યુલન્સ ટીમ તાત્કાલિક દર્દીની મદદ માટે દોડી જાય છે. આ ઉપરાંત અહીંથી કોવીડ દર્દીઓ, હોમ આઇસોલેટેડ લોકોને કોલ કરીને તેમના ખબર અંતર પૂછવામાં આવે છે.
જિલ્લાના કોઇ પણ નાગરિક કોરોના લગતી કોઇ પણ સમસ્યા માટે ચોવીસે કલાક ચાલતા આ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને મદદ માંગી શકે છે. મુખ્યત્વે અહીં આવતા ફોનમાં કયા હોસ્પીટલમાં બેડ ખાલી છે, ઓક્સિજન બેડ, રેમડેસિવિર ઇન્જેક્શન, આરટીપીસીઆર ટેસ્ટિંગ સેન્ટર અને તેના રિપોર્ટ બાબત, વેક્સિનનું સ્થળ, દવાઓ વગેરે જેવી બાબતો અંગે માહિતી માંગવામાં આવે છે. અહીંથી જિલ્લાની તમામ સરકારી અને ખાનગી કોવીડ હોસ્પીટલોની અદ્યતન માહિતી રાખવામાં આવે છે અને નાગરિકોને કયાં બેડ ઉપલબ્ધ છે કે રેમડેસિવિર ઇન્જેક્શન કેવી રીતે મળશે તેવી તમામ બાબતો સંતોષજનક રીતે નાગરિકોને સમજાવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ ૮૦૬ નાગરિકો દ્વારા ફોન કરવામાં આવ્યા છે જેમાંથી ૨૪૧ ફોન તો રાત્રીના સમયે કરવામાં આવ્યા હતા. આમાંથી ૭૯૬ ક્વેરીનો નિકાલ લાવવામાં આવ્યો છે.
આ સેલ દ્વારા એક્ટિવ દર્દીઓના સગાઓ, હોમ આઇસોલેટ લોકો, રજા મેળવીને સ્વસ્થ થયેલાં લોકો તેમજ ગ્રામજનોને પણ ફોન કરીને તેમના હાલચાલ પૂછવામાં આવે છે. આઇસોલેટ લોકોમાંથી કોઇ ગંભીર જણાઇ તો તુરત જ અહીંની એમ્બ્યુલન્સ અને ડોક્ટરની ટીમ ત્યાં પહોંચી જાય છે અને જરૂરી સારવાર આપવામાં આવે છે. કોરોના સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવતા હોમ આઇસોલેટ કરાયેલા લોકોને ૧૧૭૮૪ ફોન કરી તેમની ખબર પૂછવામાં આવી હતી. તેમને મેડીકલ કીટ મળી રહે છે કે કેમ તે બાબતે પૃચ્છા કરવામાં આવી હતી. ૭૧૫ જેટલા સર્ગભા બહેનોને ફોન કરી તેમની તબિયત વિશે માહિતી મેળવવામાં આવી હતી. ધન્વતંરિ રથ ઉપર ૩૭૨ કોલ કરવામાં આવ્યા હતા. ૫૩૦ જેટલા ડિસ્ચાર્જ પેશન્ટોને ફોન કરીને તેમના સ્વાસ્થ વિશે પૃચ્છા કરવામાં આવી હતી. વિવિધ ગામોના સરપંચને ૮૧૪ જેટલા ફોન કરવામાં આવ્યા હતા અને તેમના ગામમાં કોરોનાના લક્ષણો ધરાવતા લોકો વિશે તેમજ અન્ય માહિતી મેળવવામાં આવી હતી. આ ઉપરાંત ૫૩૬ તલાટીઓને પણ ફોન કરીને આ રીતની માહિતી મેળવાય હતી. ગ્રામજનોને સીધા ફોન કરીને તેમના ગામમાં સર્વેલન્સની ટીમ, આરોગ્ય સુવિધાઓ વિશે પૃચ્છા કરવામાં આવી હતી. આ રીતે કરવામાં આવેલા કોલની કુલ સંખ્યા જોઇએ તો અત્યાર સુધીમાં ૨૫૪૬૭ કોલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૭૪૬૮ કોલ રીસીવ કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ બાય: અનવર ખાન પઠાણ-દાહોદ