કચ્છ જ્યોતિષ મંડળ દ્વારા “આર્ટ ઓફ લિવિંગ” સેશન નું આયોજન, જ્યોતિષ સંશોધન માટે “કચ્છ જ્યોતિષ ગૌરવ સન્માન” ની જાહેરાત

કચ્છ જ્યોતિષ મંડળ દ્વારા સભ્યોના માનસિક, શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય તથા આત્મવિકાસ માટે એક વિશેષ ‘આર્ટ ઓફ લિવિંગ’ (Art of Living) શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
પૂજ્ય શ્રી શ્રી રવિશંકર મહારાજની પ્રેરણાથી પ્રશિક્ષક શ્રી દિલીપભાઈ ઠક્કર (બાબા) તથા શ્રી શકુંતલા શર્મા દ્વારા અત્યંત સરળ, પ્રેરણાદાયક અને હૃદયસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જીવનમાં સકારાત્મક વિચારસરણી, તણાવમુક્ત જીવનશૈલી, ગુસ્સા પર નિયંત્રણ, સમયનું આયોજન અને આંતરિક શાંતિનું મહત્વ સમજાવ્યું હતું.
સહભાગીઓને શ્વાસની વિવિધ પદ્ધતિઓ, પ્રાણાયામ અને ધ્યાનની મધુર અનુભૂતિ કરાવવામાં આવી હતી. સેશન દરમિયાન રજૂ થયેલા ભાવગીતો અને ધૂનથી સમગ્ર વાતાવરણ પરમ શાંતિ અને આહલાદક આનંદથી ભરાઈ ગયું હતું.
બેઠક દરમિયાન જ્યોતિષને વૈજ્ઞાનિક અભિગમ સાથે લોકભોગ્ય અને વ્યવહારુ બનાવવા માટે સંશોધન દ્વારા અનોખું યોગદાન આપનાર, કચ્છ, ગુજરાત કે વિદેશમાં રહીને શાસ્ત્રની સેવા કરતા કચ્છી જ્યોતિષીઓને “જ્યોતિષ ગૌરવ સન્માન ૨૦૨૬” થી સન્માનિત કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભમાં અતિથિ વિશેષ શ્રી દિલીપભાઈનું સન્માન સલાહકાર જ્યોતિષી ગિરીશભાઈ ગોર દ્વારા તથા શકુંતલાબેનનું સન્માન સહમંત્રી પૂજાબેન ભાટિયા દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રફુલભાઈ જોશીએ સૌને આવકાર આપી જીવનમાં આંતરિક હેપ્પીનેશનું મહત્વ સમજાવ્યું હતું. રમેશ આહીર, જયશ્રીબેન પરમાર, વણીતાબેન મહિડા, દેવાંગ ચૌહાણ, આનંદ શાહ, વિપુલાબેન મહેતા, મીનલબેન દવે, પલ્લવી શેઠ, રાજેશભાઈ, અરવિંદભાઇ ચૌહાણ, ઝંખના શર્મા, નરેન્દ્ર દઢાણીયા, પ્રશાંત ભોજક, હંસાબેન પંડયા, હિતેન્દ્ર દવે, પ્રદીપભાઈ પરમાર, શ્રી પ્રતીકભાઈ જોશીએ સક્રિય રીતે ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ જ્યોતિષીઓ અને સભ્યોને દૈનિક તણાવમાંથી મુક્તિ આપીને જાત સાથે જોડાવવાની અને જીવન જીવવાની સાચી કળાનો સુંદર અનુભવ કરાવ્યો હતો.