૧૧ જૂલાઈ -૨૦૨૧ “વિશ્વ વસ્તી દિવસ -૨૦૨૧” પખવાડિયું ઉજવણી સંદર્ભે બોટાદ જીલ્લામાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને જનરલ હોસ્પિટલ ખાતે તા:- ૨૭/૦૬/૨૦૨૧ થી તા:- ૧૦/૦૭/૨૦૨૧ સુધી દંપતિ સંપર્ક પખવાડિયું ઉજવવામાં આવનાર છે. જેમાં કુટુંબ કલ્યાણ સેવાઓ વિશેની જાણકારી, લોક જાગૃતિ માટે વિવિધ આઈ.ઈ.સી. પ્રવૃતિઓ જેવી કે, લક્ષિત દંપતિ મુલાકાત, બેનર, પોસ્ટર, પત્રિકા વહેંચણી, હોર્ડિંગ્સ, લોગો, સૂત્રો, પ્રદર્શન વગેરે દ્વારા પ્રચાર અને પ્રસારની કામગીરી કરવામાં આવનાર છે. તેમજ ૧૧ જૂલાઈ -૨૦૨૧થી ૨૪ જૂલાઈ -૨૦૨૧ સુધીમાં લક્ષિત દંપતીઓને કુટુંબ કલ્યાણની કાયમી અને બિન કાયમી પધ્ધતિઓ જેવી કે, પુરુષ નસબંધી, સ્ત્રી નસબંધી, કોપર –ટી/પીપીઆઈયૂસીડી, ઓરલ પિલ્સ, છાયા, અંતરા, નિરોધ વગેરે પદ્ધતિઓથી રક્ષિત કરી “નાનું કુટુંબ – સુખી કુટુંબ”નું ધ્યેય હાંસલ કરી વસ્તી નિયંત્રણ તેમજ બે બાળકો વચ્ચે અંતર રાખી માતા અને બાળકનું આરોગ્ય સુદ્રઢ થાય તે માટે કુટુંબ કલ્યાણ સેવાઓ આપવામાં આવશે. એક દિકરી ઉપર નસબંધી કરાવનાર લાભાર્થીને રૂ. ૬,૦૦૦/- (અંકે રૂપિયા છ હજાર)નાં રાષ્ટ્રીય બચતપત્ર અને બે દીકરી ઉપર નસબંધી કરાવનાર લાભાર્થીને રૂ. ૫,૦૦૦/- (અંકે રૂપિયા પાંચ હજાર)નાં રાષ્ટ્રીય બચતપત્ર મળવાપાત્ર છે. પુરુષ નસબંધી કરાવનારને રૂ. ૨,૦૦૦/- (અંકે રૂપિયા બે હજાર) અને સ્ત્રી નસબંધી કરાવનારને રૂ. ૧,૪૦૦/- (અંકે રૂપિયા એક હજાર ચારસો.) તેમજ પ્રસૂતિ બાદ ૭ દિવસમાં કાયમી સ્ત્રી નસબંધી કરાવનારને રૂ. ૨,૨૦૦/- (અંકે રૂ. બે હજાર બસો પુરા.) સહાય મળવાપાત્ર છે. પ્રસૂતિ બાદ ૪૮ કલાકમાં પીપીઆઈયૂસીડી મુકાવનારને રૂ. ૩૦૦/- (અંકે રૂપિયા ત્રણસો પુરા.) મળવાપાત્ર છે. ચાલુ વર્ષ ૧૧ જુલાઈ -૨૦૨૧નાં રોજ વિશ્વ વસ્તી દિવસનું સૂત્ર “આપદામાં પણ કુટુંબ નિયોજનની તૈયારી, સક્ષમ રાષ્ટ્ર અને પરિવારની સંપૂર્ણ જવાબદારી” આપવામાં આવેલ છે. જે અંગે બોટાદ જીલ્લાનાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા વિશ્વ વસ્તી દિવસ પખવાડિયા દરમિયાન તમામ લક્ષિત દંપતિઓ પરિવારની આરોગ્ય સુખાકારી માટે કુટુંબ કલ્યાણ સેવાઓનો વિશેષ લાભ લે તેવો અનુરોધ કરવામાં આવે છે. રિપોર્ટ બાય : લાલજી બોટાદ.