જિલ્લા કક્ષાનો જ્ઞાનશકિત દિવસ કાર્યક્રમ બાલાસર ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયો

રાજય સરકારના પાંચ વર્ષ સુશાસનના કાર્યક્રમ હેઠળ આજરોજ જ્ઞાનશકિત દિવસનિમિતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ માંડવી-મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં રાપર તાલુકાના બાલાસર ખાતે યોજાયો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ, મહાત્મા ગાંધી મંદિર, ગાંધીનગર ખાતેથી ઈ-લોકાર્પણ કરાવ્યું હતું. રૂ.૬૫૦ લાખના ખર્ચે નવનિર્મિત મોડેલ ડે શાળાની તકતીનું ઈ-અનાવરણમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ આ તકે વડીલોનું સન્માન વૃક્ષારોપણ અને જિલ્લાની શિક્ષણ વિભાગની વિકાસની વાતો જાણી હતી.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રજાપતિએ આ તકે પાંચ વર્ષની શિક્ષણ કામગીરી જણાવતાં ૨૦૯ સ્થળોએ થનાર વિવિધ ખાતમુહુર્ત-લોકાર્પણની વિગતો જણાવી હતી. જિલ્લામાં ૧૩૪ શાળામાં ૩૪૦ વર્ગોમાં રૂ.૩૮૦.૮૯ લાખના ખર્ચે કાર્યરત થનાર જ્ઞાનકુંજ પ્રોજેકટ લોકાર્પણ તેમજ શાળાઓની ભૌતિક શૈક્ષણિક સુવિધાઓ વિશે સૌને માહિતગાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આજે જિલ્લામાં જ્ઞાન શકિત દિવસ નિમિતે રૂ.૧૬ કરોડ ૨૬ લાખના ૨૧૦ જેટલાં વિવિધ વિકાસના કામો કરાયા છે જે પૈકી ૩૦ સ્કુલોમાં ICT લેબ પણ પ્રારંભ કરાઇ છે. આ કાર્યક્રમમાં ગ્રામજનો ઉપરાંત રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરસંગ સોઢા,  નસાભાઇ દયા, રાપર પ્રાંત જય રાવલ, શિક્ષણ નિરીક્ષક વસંત તરૈયા, સહાયક શિક્ષણ નિરીક્ષક મેનાબેન મોના તેમજ સમાજ, અગ્રણીઓ, શિક્ષકો, વિધાર્થીઓ કોવીડ-૧૯ની ગાઇડલાઇન સાથે ઉપસ્થિત રહયા હતા.