શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના હસ્તે નખત્રાણા તાલુકાના રોડના કામોનું ખાતમુર્હુત

ભુજ,રવિવાર;

આજરોજ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે નખત્રાણાના સુખપર-ખીરસરા-વેસલપર રોડ અને  નખત્રાણા-બેરુ-રોહા રોડનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

 ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બન્ને દ્વારા સુવિધાસભર રોડ રસ્તા બને અને ઝડપી પરિવહન શક્ય બને તે માટે વિવિધ યોજનાઓ થકી સડકોનું નિર્માણ કરવામાં આવી રહયું છે. જે અન્વયે નખત્રાણા તાલુકાની પરિવહન સુવિધા વધારવા માટે પી.એમ.જી.એસ.વાય હેઠળ મંજુર થયેલ  ૮.૧૮ કી.મી લંબાઈ ધરાવતા સુખપર-ખીરસરા-વેસલપર રોડ રૂ.૪૬૨.૦૮ લાખ ના ખર્ચે તેમજ ૧૬.૦૦ કી.મી લંબાઈ ધરાવતા

નખત્રાણા-બેરુ-રોહા રોડ જે  રૂ.૮૨૧.૦૩ લાખના ખર્ચે નિર્માણ પામશે તેનું શિક્ષણ, ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉધોગ, ગૌ-સંવર્ધન અને નાગરિક ઉડ્ડયન મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાતમુર્હુત કર્યું હતું.

આ  માર્ગો હાલ ૩.૭૫ મીટર (૧૨ફુટ) પહોળાઈના છે, જેને ૫.૫૦ મીટર (૧૮ફૂટ) કરવામાં આવશે. આ માર્ગોના નિર્માણમાં કેન્દ્ર સરકાર દ્વારા ૬૦% રકમ ફાળવવામાં આવશે જ્યારે ૪૦% રકમ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવશે. આમ, ગ્રામીણ માર્ગોની વધું પહોળાઈથી આ વિસ્તારના પરિવહન ક્ષેત્રે સુધાર આવશે અને અત્રેની જન સુવિધામાં સાપેક્ષ ફાયદો થશે.

 આ તકે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે કચ્છના લોકોની વિકાસના માર્ગે ઝડપથી આગળ વધવાની ઉત્કંઠા છે તેને અહીંના જનપ્રતિનિધિઓ ખૂબ સારી રીતે પરિપૂર્ણ કરી રહ્યા છે. આવા રસ્તાઓનું નિર્માણ થતાં ખેડૂતોને કે વેપારીઓને પરિવહનમાં, વિદ્યાર્થીઓને શાળાએ જવામાં સરળતા રહે છે અને આવા નાના ગામડાંઓનું મોટા શહેરો સાથે જોડાણ વધે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભૂકંપ બાદ કચ્છમાં રસ્તા, વીજળી, સિંચાઈ વગેરે ક્ષેત્રે ધરખમ પરિવર્તન આવ્યું છે. આજે તમામ ક્ષેત્રે જે સુવિધાઓ ઉપ્લબ્ધ બની છે તે વિકાસનું સીધું પ્રતિબિંબ છે. આ સાથે તેમણે ખેડૂતોને વધુ ને વધુ જળ સંચયની કામગીરી કરવા તમેજ ગ્રામજનોને દિકરા દિકરીઓને વધુ ને વધુ ભણાવવા માટે જણાવ્યું હતું આ સાથે તેમણે હજી પણ બેદરકારી ન રાખી કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ પણ કરી હતી.

આ તકે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે , આવા રસ્તાઓ થકી વિકાસની વાટે પૂરઝડપે આગળ વધી રહેલા ભારતના વિકાસમાં સુવિધાઓનો વધારો થશે. આ ઊપરાંત તેમણે આત્મનિર્ભર ભારત અને નૂતન ભારતના નિર્માણમાં સૌને સહભાગી બનવા જણાવ્યું હતું.

 આ તકે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આવા અનેક રસ્તાઓનું નિર્માણ સરકાર દ્વારા ખૂબ ઝડપથી થઇ રહયું છે.ગુજરાત સરકારે આપણે જે આપ્યું એનું સવાયું કરીને આપણને પાછું આપ્યું છે. આજે કચ્છ તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. આવા છેવાડાના વિસ્તારોમાં ડબલ લાઈન રોડ બનવા જઈ રહ્યા છે તે ખરેખર સરકારની કચ્છ પ્રત્યેની લાગણીને પ્રદર્શિત કરે છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા,  નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઇ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જયાબેન તથા અગ્રણી કરસનભાઇ પટેલ, મંગવાણા સરપંચધમેન્દ્રભાઇ ગોસ્વામી, અગ્રાણી દિલીપભાઈ નરસંઘાણી, પ્રફુલસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, નયનાબેન પટેલ, મહેંદ્રસિંહ જાડેજા, મહેશભાઇ, બીલાભાઈ, પ્રતિપાલસિંહ વાઘેલા, ઉત્પલસિંહ જાડેજા તેમજ જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, નખત્રાણા પ્રાંત અધિકારી મેહુલ બરાસરા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એન.પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી.પ્રજાપતિ તથા શાળાનો સ્ટાફ, સ્થાનિક અગ્રણીઓ અને વિધાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.