મુખ્યમંત્રીનો કચ્છમાં વેટરનરી અને એગ્રીકલ્ચર કોલેજ ફાળવવા રાજ્યમંત્રી વાસણભાઇ આહીરની રજૂઆતનો હકારાત્મક પ્રતિભાવ

ભુજ,બુધવાર;
કચ્છ જિલ્લો વિસ્તાર તેમજ ભૌગોલિક દ્રષ્ટિએ દેશનો સૌથી મોટો તેમજ આબોહવાકિય વિષમતા ધરાવતો જિલ્લો છે. કચ્છનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ડેરી ઉધોગ છે. છેલ્લા ૧૨ વર્ષમાં સરહદ ડેરીની સ્થાપના બાદ જિલ્લામાં પશુપાલન અને ડેરી ઉદ્યોગનો ખૂબ વિકાસ થયો છે અને જિલ્લામાં હાલ ૨૧ લાખ જેટલુ પશુધન છે તેમજ ૭ જેટલી પશુ ઓલાદો કચ્છમાં જોવા મળે છે. હાલમાં કચ્છમાં કોઇ વેટરનરી કોલેજ નથી. દાંતીવાડા યુનિવર્સિટીમાં વેટરનરી કોલેજ છે જે ભુજથી ૩૫૦ કિમી દૂર આવેલ છે.
રાજયમાં કુલ ૪ વેટરનરી કોલેજ આવેલી છે. રાજયમાં સૌથી વધારે જરૂરીયાત વાળા કચ્છ જિલ્લામાં નવી વેટરનરી કોલેજ ફાળવવા બાબતે કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લી. સરહદ ડેરી, બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન તેમજ સ્થાનિક અગ્રણીઓ દ્વારા અનેકવાર રજૂઆતો મળી હતી. આ રજૂઆતો પરત્વે રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જે રજૂઆત અન્વયે મુખ્યમંત્રીએ વેટરનરી અને એગ્રીકલ્ચર કોલેજ ફાળવવા બાબતે પશુપાલન, સચિવને પત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
રાજ્યમંત્રી વાસણભાઇ આહીરની રજૂઆતોનો હકારાત્મક પ્રતિભાવ આપતા મુખ્યમંત્રીએ તાજેતરમાં તા.૦૫,૦૮ ૨૦૨૧ ના રોજ કચ્છ જિલ્લાના પ્રવાસ દરમ્યાન કચ્છ જિલ્લાને વેટરનરી અને એગ્રીકલ્ચર કોલેજ ફાળવવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી દ્વારા વેટરનરી અને એગ્રીકલ્ચર કોલેજ ફાળવવામાં આવતા કચ્છમાં એક નવી આશા જાગી છે. કચ્છ જિલ્લામાં સ્થાનિકે એક વેટરનરી કોલેજ તેમજ કૃષિ કોલેજ ઉપલબ્ધ થવાથી કચ્છમાં પૂરતા વેટરનરી ડોક્ટરો મળી રહેશે તેમજ ભવિષ્ય માટે પશુપાલન તેમજ કૃષિ ક્ષેત્રે વિકાસને એક નવી દિશા ખુલી જશે. કચ્છ જિલ્લાનો દરેક ક્ષેત્રે વિકાસ થાય તે માટે રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે સતત જાગૃતિ દાખવી છે જેથી નવા નવા વિકાસકાર્યોની ભેટ કચ્છને મળતી રહે છે.જેથી કચ્છના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.