ગંગા સ્વરુપા આર્થિક સહાય (વિધવા સહાય) મેળવતી બહેનો જોગ
ભુજ, શુક્રવારઃ
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા હાલમાં ગંગા સ્વરુપા આર્થિક સહાય (વિધવા સહાય) મેળવતી બહેનોની હયાતી બાબતની ખરાઈ અર્થે ઝુંબેશ શરુ કરેલ છે. આ ઝુંબેશ અંતર્ગત ગંગા સ્વરુપા બહેનો જેઓ આર્થિક સહાય મેળવી રહ્યા છે તેમની હયાતી અંગેની ખરાઈની કામગીરી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, કચ્છ (ભુજ) દ્વારા તેમજ ગ્રામ્ય કક્ષાએ સંકલિત બાળ વિકાસ વિભાગ અંતર્ગત ફરજ બજાવી રહેલ મુખ્ય સેવિકા બહેનો દ્વારા કરવામાં આવી રહેલ છે જે અનિવાર્ય છે. જે તે લાભાર્થી બહેનો દ્વારા તેમની હયાતી અંગેની ખરાઈ કરાવવા અનુરોધ છે. હયાતી અંગેની ખરાઈ ઉપર જણાવ્યા મુજબ સંકલિત બાળ વિકાસ વિભાગની મુખ્ય સેવિકા બહેનો દ્વારા, તાલુકા કક્ષાએ મામલતદારની કચેરી દ્વારા તથા જિલ્લા કક્ષાએ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવી રહી છે. ખરાઈની કામગીરી ઓનલાઈન સ્માર્ટ ફોનના માધ્યમથી કરવામાં આવી રહી છે જે અંતર્ગત લાભાર્થીની વિગતમાં તેમનું નામ, તેમણે પુનઃ લગ્ન કરેલ છે કે નહિ ? મોબાઈલ નંબર તથા તેમના સંતાનોની વિગત લેવામાં આવે છે ઉપરાંત તેઓએ કોઈ વ્યવસાય લક્ષી તાલીમ લીધેલ છે કે લેવા માંગે છે આવી સામાન્ય માહિતી મેળવી અને તેમનો ફોટો અપલોડ કરવામાં આવે છે જે અંગે તમામ લાભાર્થી બહેનોએ નોંધ લેવા વિનંતી છે. આ ખરાઈ અંગેની કામગીરી અર્થે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સપ્ટેમ્બર-૨૦૨૧ માસના તમામ બુધવાર (તા. ૧,૮,૧૫,૨૨, અને ૨૯) ના રોજ રૂમ નં. ૧૧૮, તાલુકા સેવા સદન, લેવા પટેલ હોસ્પિટલની બાજુમાં, મુન્દ્રા રોડ, ભુજ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે કેમ્પના માધ્યમથી જે તે લાભાર્થી બહેનો ખરાઈ કરાવી શકશે. ભુજ શહેરી વિસ્તારના લાભાર્થીઓ તેમજ આસપાસના ગામના બહેનોએ ખાસ લાભ લેવા અનુરોધ છે તેમજ અન્ય તાલુકાના લાભાર્થીઓ મુખ્ય સેવિકા બહેનો તથા મામલતદારની કચેરીના માધ્યમથી ખરાઈ કરાવે તે હિતાવહ છે.
ઉપરાંત સરકાર દ્વારા “ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના” અમલમાં મુકવામાં આવેલ છે જે અંતર્ગત ગંગા સ્વરૂપા આર્થિક સહાય મેળવી રહેલ ૧૮ થી ૫૦ વર્ષની બહેનો દ્વારા પુનઃ લગ્ન કરવામાં આવે છે તો તેમને રૂ. ૫૦,૦૦૦/- (પચાસ હજાર) ની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે જે અંગેનું ફોર્મ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાતની વેબસાઈટ પરથી તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, પ્રથમ માળ, રૂમ નં. ૨૦૮, તાલુકા સેવા સદન, લેવા પટેલ હોસ્પિટલની બાજુમાં, મુન્દ્રા રોડ, ભુજ ખાતેથી મેળવી શકાશે. અરજી પુનઃ લગ્ન કર્યાની તારીખથી ૬ માસ સુધીમાં કરવાની રહેશે તેવું દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી, ક્ચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે.