ગાંધીનગર ખાતે રાષ્ટ્રીયસ્તરે એક અને રાજયસ્તરે ૪ કચ્છના શિક્ષકો સન્માનિત કરાયા


ભુજ, રવિવારઃ
ભારતરત્ન, પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત શિક્ષણવિદ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મ જયંતિ નિમિતે ઉજવાતા રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિતે કચ્છ જિલ્લાકક્ષાનો શિક્ષક દિન સેડાતા (તા.ભુજ) ખાતે મનાવાયો હતો.
જિલ્લા કક્ષાના ૭મા શિક્ષકદિન સમારોહ નિમિતે રાજયમંત્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં ૨૪ શ્રેષ્ઠ શિક્ષકો સન્માનિત કરાયા હતા તેમજ સાત પ્રતિભાશાળી વિધાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહિરે આ તકે જણાવ્યું હતું કે, ગુરૂજનોને સન્માનવાનો આ કાર્યક્રમ છે. સમાજને શ્રેષ્ઠ નાગરિકો શિક્ષકો જ આપે છે. સમાજ ઘડતરની જવાબદારી શિક્ષકના શિરે છે જેને સુપેરે નિભાવતા નામી અનામી તમામ શિક્ષકો, ગુરૂજનો વંદનીય છે. શ્રેષ્ઠ સમાજ નિર્માણની સમાજ શિક્ષકો પાસે અપેક્ષા રાખે છે. શિક્ષકોનું સન્માન એ સમાજનું ગૌરવ છે. આ જવાબદારી સૌ સુપેરે નિભાવે છે. તેનું ઉદાહરણ કચ્છના શિક્ષકોનું રાષ્ટ્રીયસ્તરે પણ સન્માન થાય છે તે છે. ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય સ્તરે એક અને રાજયસ્તરે ૪ કચ્છના શિક્ષકો સન્માનિત કરાયા છે. આ તકે રાષ્ટ્રીય અને રાજયકક્ષાએ સન્માનિત શિક્ષકોને નામ સાથે હદયપૂર્વક તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
કોરોના કાળમાં જિલ્લાના શિક્ષણ જગતે રૂ.૧.૪૪ કરોડની માતબર રકમ દાનમાં આપવા તેમજ મહારકતદાન કર્યુ તેના માટે સૌને બિરદાવતાં રાજયમંત્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, રાજય સરકારે રૂ.૩૨ હજાર કરોડનું શિક્ષણ બજેટ ફાળવી શિક્ષક, વિધાર્થીઓની ચિંતા કરી છે. સગર્ભા માતાથી લઇ તેજસ્વી વિધાર્થીઓ સુધી વિવિધ સહાય અને યોજનાઓ થકી સરકારે સમાજની ચિંતા કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૧ અમલી બની રહી છે ત્યારે સન્માનિત શિક્ષકોએ રચનાત્મક નેતૃત્વ પુરું પાડવું પડશે. આ તકે રાજયમંત્રીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની કચ્છ જિલ્લામાં શિક્ષણક્ષેત્રે વિશેષ રીતે આપેલ સુવિધાઓ અંગે વિગતવાર ચિતાર રજુ કર્યો હતો. છેલ્લા બે વર્ષમાં ૩૦ માધ્યમિક શાળાથી લઇ આધુનિક ઓરડાઓ અને સ્માર્ટકલાસની સુવિધા અંગે તેમણે માહિતી આપી હતી.
પ્રસંગોચિત પ્રવચન કરતા જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, શિસ્ત, ક્ષમા અને કર્તવ્યનિષ્ઠ એવા શિક્ષક અને મા સમાન સ્તર એવા માસ્તર, ગુરૂ એવા તમામ આદરણીય ગુરૂજનોને આ તકે પ્રણામ કરી શિક્ષક તરીકે ફરજ બજાવ્યાનું ગૌરવ અનુભવું છું.
શિક્ષક અને શિક્ષણ માટે સરકારે સતત સક્રિય ભૂમિકા ભજવી આધુનિક ટેકનોલોજીથી કોરોનાકાળમાં વિધાર્થીઓની હિતની પણ ચિંતા કરી છે. કોરોનામાં શિક્ષણ વિવિધ રીતે ચાલુ રહયું તેમજ સરકારે બ્રિજસેતુથી તેમજ સ્કુલ ઓફ એકસલન્સ દ્વારા શિક્ષણ જગતનું હિત ધ્યાને રાખ્યું છે તેમ જણાવ્યું હતું. સૂર્યા વરસાણી એકેડમી સેડાતામાં સન્માનિત સૌ શિક્ષકો, વિધાર્થીઓને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યે આ પ્રસંગે જણાવ્યું હતું કે, જ્ઞાન શકિતના યુગમાં શિક્ષક અને શિક્ષણનું વિશેષ મહત્વ છે. રાજય સરકારની શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રની સવલતો અંગે જણાવી તેમણે વધુમાં કહયું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલા શિક્ષણને પ્રાધાન્ય આપી ભિક્ષામાં દિકરીનું ભણતર માગ્યું હતું. સરકારે વિવિધ શિક્ષણોત્સવ દ્વારા જેવા કે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, ગુણોત્સવ થકી શિક્ષક અને શિક્ષણમાં વિકાસ કર્યો છે. તેમણે બાળકોમાં માતાપિતા અને ગુરૂજનોને નમન કરી સંસ્કાર સિંચનની વાત કરી હતી.
સ્વાગત પ્રવચનમાં જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એન.પ્રજાપતિએ ગુરૂજનોની વંદના કરતાં જિલ્લાની માળખાકીય અને પ્રગતિશીલ સિધ્ધિઓને રજુ કરતાં જણાવ્યું હતું કે, જિલ્લાના શિક્ષકો રાષ્ટ્રીયસ્તર સુધી પ્રતિનિધિત્વ કરી સૌ શિક્ષકોનું ગર્વ વધારી રહયા છે ત્યારે કચ્છના સરહદી વિસ્તારોના છેવાડાના ગામોમાં શિક્ષણ માટે જનજાગૃતિ કરી આઝાદીના અમૃત મહોત્સવમાં કાર્યની પ્રતિબધ્ધતા દાખવી રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરી રાજય-કચ્છને આગળ વધારીએ.
આ તકે મંચસ્થ મહાનુભાવોએ તાલુકાદીઠ બે પૈકી ઉત્તમ શિક્ષકો એવા ૨૧ અને જિલ્લાસ્તરથી ચાર શિક્ષકોને સન્માનિત કર્યા છે તેમજ ૪ પ્રતિભાશાળી વિધાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા શિક્ષણસમિતિના ચેરમેન જયાબેન ચોપડા, આરોગ્ય સમિતિના ચેરમેન કરશનજી જાડેજા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, સૂર્યા વરસાણી એકડેમીના ટ્રસ્ટી આર.એસ.હિરાણી અને આર.આર.પટેલ તેમજ પૂર્વ ડીઈઓ મધુકાંત આચાર્ય તેમજ જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે., ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી હનુમંતસિંહ જાડેજા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.પી.પ્રજાપતિ, ડાયેટ પ્રાચાર્ય સંજય ઠાકર, સન્માનિત શિક્ષકઓ, કેળવણીકારઓ, નિરીક્ષકઓ, આચાર્યઓ તેમજ વિધાર્થીઓ અને શિક્ષણસંઘના સભ્યો કોવીડ-૧૯ની ગાઇડલાઇન્સ મુજબ ઉપસ્થિત રહયા હતા.