માતાના મઢ ખાતે કચ્છના મહારાણી પ્રીતિદેવી કરશે નવરાત્રીની પતરી વિધિ: અદાલતનો આદેશ

ભૂજ તા. 23
નવરાત્રીના તહેવારો આવી પહોચ્યા છે ત્યારે આ વર્ષે કચ્છના લખપત તાલુકાના માતાના મઢ ખાતે છેલ્લા 400 વર્ષોથી રજવાડી પરંપરા સાથે યોજાતી પતરી વિધિમાં આ વખતે પ્રથમવાર કચ્છના મહારાણી પ્રિતીદેવીના હસ્તે આ વિધિ સંપન્ન કરાવવાનો આદેશ નામદાર અદાલતે આપતાં,આ વખતે પ્રથમવાર માતાના મઢ ખાતે એક મહિલા દ્વારા આ વિધિ કરાવાશે. પરંપરા પ્રમાણે રાજાશાહીના જમાનાથી કચ્છના મહારાવ આ પતરી વિધિ આસો નોરતાં દરમ્યાન માતાના મઢ ખાતે સંપન્ન કરાવતા હતા. કચ્છના અંતિમ રાજવી સ્વ.મહારાવ પ્રાગમલજી ત્રીજા 2009ના અરસામાં વયમર્યાદાને કારણે અશક્ત થતાં તેમણે પતરી વિધિ પૂજન અધવચ્ચેથી છોડી દીધું હતું અને તેમની સાથે રહેલા ક્ષત્રિય અગ્રણી સ્વ.જુવાનસિંહ જાડેજાને આ વિધિ પૂર્ણ કરવા જણાવ્યું હતું,જો કે માતાના મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાએ આ વિધિ કરતા જુવાનસિંહને અટકાવી દીધા હતા અને ચાર સદીઓથી ચાલી આવતી રાજ પરિવારની પતરી પૂજાની પરંપરા અટકી જવા પામી હતી. આ મામલે માતાના મઢના જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવા સામે અદાલતમાં એક દીવાની દાવો પણ કરાયો હતો જેના સંદર્ભમાં અદાલતે મહારાવ પ્રાગમલજી ત્રીજાની નાદુરસ્ત તબિયતને ધ્યાને લઈને પતરી વિધિ રાજ પરિવારની નિકટની વ્યક્તિ કરી શકશે તેવો ચુકાદો આપ્યો હતો. તાજેતરમાં કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાનું અવસાન થઇ જતાં અને તેઓ નિ:સંતાન હોતાં પતરીની પૂજન વિધિનો અધિકાર મને મળવો જોઈએ તેવો દાવો પ્રાગમલજી ત્રીજાના ભાઈ હનુવંતસિંહે નોંધાવ્યો હતો,પણ તેમની વિરુદ્ધ અદાલતે કચ્છના મહારાણી પ્રિતીદેવી હવે પૂજન કરી શકશે તેવો ચુકાદો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે,હનુવંતસિંહના વકીલોએ નામદાર અદાલતમાં એવી દલીલ કરી હતી કે આ ઐતિહાસિક પરંપરામાં ક્યારેય કોઈ સ્ત્રીએ માતાના મઢ ખાતે પતરી વિધિ કરી નથી તેથી પ્રિતીદેવીને પૂજનનો અધિકાર મળવો જોઈએ નહિ. જો કે અદાલતે આ પ્રકારની દલીલને આઘાતજનક ગણાવી હતી અને એવી ટીપ્પણી કરી છે કે રાણી લક્ષ્મીબાઈનો રાજ્યાભિષેક થયો ત્યારે પણ તેનો વિરોધ કરાયો હતો પણ રાણી લક્ષ્મીબાઇને આજે પણ તેમની બહાદુરી માટે યાદ કરીએ છીએ.પતરી વિધિમાં આશાપુરાને પ્રસન્ન કરવાની એક પૂજા વિધિ છે અને તે એક મહિલા જ કરશે તેવો અદાલતે આદેશ કર્યો છે.