ભચાઉ તાલુકાના છાડવારા ગામમાં 10 જણાના ટોળાએ યુવાન અને તેના પિતા ઉપર ઘાતક હથિયારો વડે હુમલો કરાયો

ભચાઉ તા. 23
ભચાઉ તાલુકાના છાડવારા ગામમાં 10 જણાના ટોળાએ યુવાન અને તેના પિતા ઉપર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ દરમ્યાન હવામાં ગોળીબાર પણ કરાયો હતો. હુમલાના આ બનવાના પગલે’ ભચાઉ પંથકમાં ભારે ચકચાર પ્રસરી હતી. તેમજ પોલીસ બેડાંમાં પણ ભારે દોડધામ થઈ પડી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ આજે બપોરે બે વાગ્યાના અરસામાં બન્યા હતો. આ બનાવ સંદર્ભે ફરિયાદી મહેશ ગોપાલ ડાંગરે આરોપીઓ રામજી દેવકરણ ડાંગર, જમણીબેન રામજી ડાંગર, અશ્વિન રામજી ડાંગર, ગીતાબેન અશ્વિન ડાંગર, પ્રવીણ રામજી ડાંગર, અરવિંદ હીરા કોલી, રામસી વેરસી કોલી, અનિલ ભીમા કોલી’ અને બે અજાણ્યા શખ્સો સામે મહાવ્યથા હથિયાર ધારા સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે.
આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી ફરિયાદી મહેશને લાકડી, ધોકા, તલવાર જેવા ઘાતક હથિયારો વડે માર મારી ધકબુસટનો માર માર્યો હતો. તેમજ તેના પિતા ગોપાલ ડાંગર ઉપર પણ હુમલો કર્યો હતો. આરોપી અરવિંદ હીરા કોલીએ દેશી તમંચા વડે હવામાં ગોળીબાર કર્યો’ હતો. યુવાન અને તેના પિતાને માથા સહિતના ભાગમાં ઈજાઓ પહોંચી હતી. યુવાનને બે ટાંકા આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ બનાવના પગલે ગામમાં ભારે ચકચાર પ્રસરી હતી. પોલીસે ઘટના સ્થળે જઈ આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ આદર્યો છે. ફરિયાદીના કાકાએ ઝીરૂનો પાક બળી જવા મામલે આરોપી વિરૂધ્ધ અરજી કરી હતી. તેમજ પોલીસ’ ફરિયાદ નોંધાવાઈ’ હોવાની બાબત બનાવ પાછળ કારણભૂત હોવાનું પોલીસે જણાવ્યું હતું.