ધ્રોલ પોલીસે બાતમીને આધારે દરોડો પાડી રૂા.11.32 લાખની કિંમતનો 2892 બોટલ દારૂ ઝડપયું

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સણોસરા ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી 2892 બોટલ દારૂ સાથે એક સખ્સને પકડી પાડ્યો છે જયારે રાજકોટના શખ્સને ફરાર જાહેર કરાયો છે. હાજર નહી મળેલ શખ્સની સણોસરા ગામે આવેલ વાડીએ દરોડો પાડી ઓરડીમાં સંતાડી રાખવામાં આવેલ વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. રાજકોટ જીલ્લાના સરહદે આવેલ જામનગર જિલ્લાના સણોસરા ગામે ગત રાત્રે દરોડો પાડ્યો હતો. મૂળ રાજકોટ જીલ્લાના પડધરીના નેકનામ ગામનો અને હાલ રાજકોટ રહેતો બહાદુરસિંહ વજુભા ઝાલા નામનો સખ્સ પોતાની સણોસરા ગામની વાડીમાં દારૂનો જંગી જથ્થો ઉતારીને ધંધો શરૂ કર્યો હોવાની ધ્રોલ પીએસઆઈ એમ એન જાડેજા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ ઝાલાને મળેલ હકીકતના આધારે ધ્રોલ પોલીસના સમગ્ર સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન વાડીની ઓરડીમાંથી રૂપિયા 11,32,400 ની કીમતનો 2892 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ધ્રોલ પોલીસે આ દારૂ કબ્જે કરી હાજર મળી આવેલ રતુભા લખુભા જાડેજા નામના શખ્સની ધરપકડ કરી હતી. જયારે હાજર નહી મળી આવેલ બહાદુરસિંહને ફરાર જાહેર કર્યો છે. પકડાયેલ સખ્સને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આ કાર્યવાહી ધ્રોલ પીએસઆઈ એમએન જાડેજા તથા સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ ઝાલા, દિનેશ રાઠોડ પોલીસ કોન્સ્ટેબલ વનરાજ ગઢાદરા, સંજય સોલંકી, મયુર પરમાર, સંજય મકવાણા, મેહુલ ઝરમરિયા અને કિશોર ડાભી દ્વારા કરવામાં આવી હતી.