રોકેટ લોન્ચરના ફાયરિંગ સેલ લવામા આવ્યું જેમાં ગેસ કટરની અગ્નિ લાગતા બ્લાસ્ટ થયું

FSLનો રિપોર્ટ આવતા રોકેટ લોન્ચરના ફાયરિંગ સેલ લાવનાર દ્વારકા જિલ્લાના મોહન જાદવ અને ખરીદનાર ભંગારના ડેલાના માલિક તોફીક ડોસાણી સામે ગુનો દાખલ થયો : એએસપી સાગર બાગમારે સાંજ સમાચાર સાથે ખાસ વાતચીત કરતા માહિતી આપી  આ ઘટનામાં ભંગારનું કટિંગ કરતા પિતા-પુત્રના મોત થયેલા ઉપલેટાના ભેદી વિસ્ફોટનું રહસ્ય ખુલ્યું છે. ફેરિયા ભંગારમાં આર્મીના રોકેટ લોન્ચરના ફાયરિંગ સેલ લાવ્યા હતા, જેમાં ગેસ કટરની અગ્નિ લાગતા બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. FSLનો રિપોર્ટ આવતા રોકેટ લોન્ચરના ફાયરિંગ સેલ લાવનાર દ્વારકા જિલ્લાના મોહન જાદવ અને ખરીદનાર ભંગારની દુકાનના માલિક તોફીક સામે ગુનો દાખલ થયો છે. એએસપી સાગર બાગમારે સાંજ સમાચાર સાથે ખાસ વાતચીત કરતા આ માહિતી આપી છે. હાલ બન્ને આરોપીની પોલીસે ધરપકડ કરી છે. વિસ્તૃત વિગત મુજબ ગત શુક્રવારે સવારે 9:30 વાગ્યા આસપાસ ઉપલેટાની કટલેરી માર્કેટમાં ભંગારના ડેલામાં ગેસના બાટલાથી ભંગારનું કટીંગ કરતા પ્રચંડ વિસ્‍ફોટ થતા ત્યાં હાજર પિતા-પુત્રના શરીરના ફુરચે-ફુરચા ઊડી ગયા હતા. શરૂઆતમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા પિતા – પુત્રના મોત થયાનું ચર્ચાઈ રહ્યું હતું. જોકે પોલીસે 4 દિવસમાં જ આ વિસ્ફોટનો ભેદ ઉકેલીને બે શખ્સ તૌફિક હારૂન ડોસાણી અને મોહન પરબત જાદવની ધરપકડ કરી છે. જેમાં રોકેટ આકારના સેલ તોડતી વખતે બ્લાસ્ટ થયો હોવાનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ગામ પાસેના પ્રતિબંધિત આર્મી ફાયરિંગ રેન્જની વસાહત ખાતેથી ફેરિયા રોકેટ લોન્ચરના ફાયરિંગ સેલ લઈ આવ્યા હોવાની આરોપીઓએ કબૂલાત આપી છે, 84 એમએમ હિટ એમ્યુનિશનમાંથી અને લીલા કલરની આર્ટિકલ ટીપીટી સેલ નંગ 32 જેમાંથી એક્સપ્લોઝિવ(વિસ્ફોટક પદાર્થ) મળી આવ્યો હતો. ભંગારમાં આવેલ સામગ્રી તોડતી વખતે બ્લાસ્ટ થતા રજાકભાઇ અલીભાઇ કાણા અને તેના પુત્ર રઈશ કાણાનું મોત નીપજ્યું હતું. જ્યારે ભંગારના ડેલામાં રહેલા અન્‍ય 3 વ્‍યકિતઓ દુર કામ કરી રહ્યા હોવાથી તેમનો બચાવ થયો હતો. આર્મીના પ્રતિબંધિત વિસ્તારમાંથી રોકેટ લોંચરના ફાયરિંગ સેલ ભંગાર માટે ફેરિયા લઈ આપી ગયા હોવાનું આરોપીઓ કહી રહ્યા છે. હાલ ઉપલેટા પોલીસના પીએસઆઈ ધાંધલ અને તેની ટીમે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી મોહન આ રોકેટ લોન્ચરના ફાયરિંગ સેલ લાવ્યો હતો જે તોફિક ડોસાણીએ ખરીદ્યા હતા અને પોતાના ભંગારના ડેલામાં રાખ્યા હતા. જેથી બન્ને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરાઈ છે.